ધોની IPLમાં નિવૃત્ત થશે : આખરી મેચ ચેન્નાઇમાં રમશે

ધોની IPLમાં નિવૃત્ત થશે : આખરી મેચ ચેન્નાઇમાં રમશે
નવી દિલ્હી, તા.23: આઇપીએલની આગામી સિઝન ફરી જૂના ફોર્મેટ અનુસાર રમાશે. તમામ 10 ટીમને તેના સાત મેચ હોમ ગ્રાઉન્ડ પર અને સાત મેચ હરીફ ટીમના મેદાન પર રમવાનો મોકો મળશે. કોરોના મુકિતને લીધે સ્ટેડિયમમાં દર્શકોની પણ હાજરી હશે. હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે દિગ્ગજ ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના પૂર્વ વિશ્વ વિજેતા કપ્તાન મહેન્દ્રસિંહ ધોની આઇપીએલમાં તેનો આખરી મેચ એમ. એસ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં  રમશે. જે ચેન્નાઇ સુપર કિંગ્સનું હોમ ગ્રાઉન્ડ છે. ધોની બે વર્ષ પહેલા જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ ચૂકયો છે. 41 વર્ષીય ધોનની 2023ની આઈપીએલની આખરી સિઝન હશે. જો કે ધોની કે સીએસકે ફ્રેંચાઇઝી તરફથી આ બારામાં હજુ સુધી કોઇ સત્તાવાર ઘોષણા થઇ નથી. ધોનીની કપ્તાનીમાં સીએસકે ટીમ આઇપીએલમાં ચાર વખત ચેમ્પિયન બની છે. ગત સિઝનમાં તેણે રવીન્દ્ર જાડેજાને સુકાનીનો કાર્યભાર સોંપ્યો હતો, પણ પોતાના નબળા દેખાવને લીધે જાડેજાએ અધવચ્ચે જ સુકાનીપદ છોડયું હતું. આથી ધોનીએ ફરી ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું.

© 2022 Saurashtra Trust