વર્લ્ડ કપની તૈયારી માટે ટીમ ઇન્ડિયાનો પર્થમાં બેઝ કેમ્પ

વર્લ્ડ કપની તૈયારી માટે ટીમ ઇન્ડિયાનો પર્થમાં બેઝ કેમ્પ
નવી દિલ્હી, તા.23: ટીમ ઇન્ડિયા વર્ષ 2007 બાદ પહેલીવાર ટી-20 વિશ્વ કપ વિજેતા બનવા કમર કસી રહી છે. આ માટેની તૈયારીમાં કોઇ કચાશ ન રહી જાય તે માટે બીસીસીઆઇએ ખાસ યોજના બનાવી છે. ટીમ ઇન્ડિયા હાલ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ટી-20 શ્રેણી રમી રહી છે. આ પછી દ. આફ્રિકા સામે ટી-20 અને વન ડે શ્રેણી ઘરઆંગણે જ રમશે. જો કે વન ડે શ્રેણીમાં વિશ્વ કપની ટીમના મોટાભાગના ખેલાડીઓ સામેલ નહીં થાય.
ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટી-20 વિશ્વ કપનો પ્રારંભ તા. 16 ઓકટોબરથી થશે. ભારતીય ટીમ તેના અભિયાનની શરૂઆત તા. 23મીએ પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે રમીને કરશે. વિશ્વ કપના પ્રારંભના લગભગ 20 દિવસ પહેલા ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા પહોંચી જશે. ઓસ્ટ્રેલિયાની બાઉન્સી વિકેટોને ધ્યાને રાખીને બીસીસીઆઇએ ટીમનો બેઝ કેમ્પ પર્થમાં રાખ્યો છે. જયાં ટીમ ઇન્ડિયા ટ્રેનિંગ અને પ્રેકટીસ કરશે. આ ઉપરાંત કેટલીક સ્થાનિક ટીમો સાથે પ્રેકટીસ મેચો પણ રમશે. આ બીસીસીઆઇ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ના સંપર્કમાં છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ટીમ ઇન્ડિયા નેટ બોલર અને સ્ટેન્ડબાય ખેલાડીઓ સાથે ઓસ્ટ્રેલિયા જશે.
દ. આફ્રિકા સામેનો આખરી ટી-20 મેચ તા. 4 ઓકટોબરે ઇન્દોરમાં રમાશે. એ પછી ભારતીય ટીમ લગભગ પ ઓકટોબરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. ઓસ્ટ્રેલિયાની મોટાભાગની પિચ ફાસ્ટ બોલરને મદદ કરે છે. એમાં પણ પર્થની વાકાની પિચ સૌથી વધુ ઉછાળવાળી છે. આથી કોચ રાહુલ દ્રવિડે પર્થમાં ટીમનો બેસ કેમ્પ બનાવવાની માંગ કરી હતી.

© 2022 Saurashtra Trust