બેન્ક ફ્રોડથી બચવું બનશે આસાન : કાયદામાં બદલાવ થશે

બેન્ક ફ્રોડથી બચવું બનશે આસાન : કાયદામાં બદલાવ થશે
અજાણ્યા કોલની જાણકારી સત્તાવાર રીતે મળી શકશે : કેવાયસી પ્રક્રિયાને વધારે મજબૂત બનાવાશે
નવી દિલ્હી, તા. 23 : કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં મોટા બેન્કિંગ અને સાઈબર ફ્રોડથી બચવાની તૈયારી કરી રહી છે. જેના માટે અલગ અલગ પ્રકારના કાયદામાં ફેરફાર કરવામાં આવશે. કેન્દ્રીય દુરસંચાર અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવના કહેવા પ્રમાણે ટેલીકોમ્યુનિકેશન બિલ 2022મા ઘણી એવી જોગવાઈ કરવામા આવી છે. જેનાથી સામાન્ય માણસોને બેન્કિંગ ફ્રોડથી બચાવી શકાશે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, સામાન્ય રીતે કોઈનો કોલ આવે તો કોનો કોલ છે તે જાણી શકાતું નથી. તેવામાં આગામી દિવસોમાં ટેલિકોમ્યુનિકેશન કંપનીઓને એવી વ્યવસ્થા બનાવવામાં કહેવામાં આવશે જેનાથી ખ્યાલ આવી શકે કે કોણ કોલ કરી રહ્યું છે. વર્તમન સમયે અલગ અલગ એપના માધ્યમથી આવી જાણકારી મેળવી શકાય છે. પરંતુ આગામી સમયમાં વૈકલ્પિક વ્યવસ્થાને સત્તાવાર કરી દેવામાં આવશે. આ ઉપરાંત કેવાઈસી નિયમોમાં પણ બદલાવ થશે. જેમાં દરેકે પોતાના એકાઉન્ટની જાણકારી સર્વિસ પ્રોવાઈડરને આપવી પડશે. જો કોઈ વ્યક્તિ ખોટી કે ભ્રામક જાણકારી આપશે તો તેના ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવશે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે દેશમાં અમુક જગ્યા એવી છે જે બેન્ક ફ્રોડ માટે બદનામ છે. આ માટે પૂરી સિસ્ટમની ચેન તોડવાની જરૂર છે. નવા ટેલિકોમ્યુનિકેશન બીલથી આ ચેઈન તૂટી જશે. આ સાથે કોઈ ફ્રોડ કરતા પકડાય તો પણ આકરી કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે. ફેસબુક, વોટ્સએપ અને ટેલીગ્રામ જેવી એપ પણ નવા ટેલિકોમ્યુનિકેશન બિલનો હિસ્સો હશે. ઓટીટી પ્લેટફોર્મ પણ રેગ્યુલેટર નીચે આવશે.

© 2022 Saurashtra Trust