પ્રમુખ પદની ચૂંટણી નહીં લડે ગાંધી પરિવાર

પ્રમુખ પદની ચૂંટણી નહીં લડે ગાંધી પરિવાર
હું ચૂંટણી લડીશ : ગાંધી પરિવારના વફાદાર અશોક ગેહલોતનું એલાન
નવી દિલ્હી, તા. ર3 : છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ચર્ચા અને અટકળોને વિરામ આપતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા-રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પહેલીવાર જાહેર કર્યુ છે કે હા, એ નક્કી થયું છે કે હું કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણી લડીશ. નામાંકનનો નિર્ણય ટૂંક સમયમાં લેવાશે. ગેહલોતે ખુલાસો કર્યો કે એવું પણ નક્કી કરાયુ છે કે ગાંધી પરિવારના કોઈ સદસ્ય ચૂંટણી નહીં લડે.
ગેહલોત કેરળમાં રાહુલ ગાંધીને મળ્યા હતા જેઓ હાલ ભારત જોડો પદ યાત્રા પર છે. મુલાકાત બાદ તેમણે કરેલી જાહેરાતથી સ્પષ્ટ થઈ ચૂક્યુ છે કે રાહુલ ગાંધી પ્રમુખ બનવાની રેસમાં નથી. ગેહલોત, થરુર ઉપરાંત મનીષ તિવારી, કમલનાથ તથા દિગ્વિજય સિંહ જેવા નેતાઓ ચૂંટણી જંગમાં ઉતરે તેવી સંભાવના છે. ગેહલોત સોમવારે નામાંકન દાખલ કરી શકે છે. થરુર સૌપહેલા નેતા છે જેમણે પ્રમુખ પદની રેસમાં ઉતરવાનો ઈરાદો જાહેર કર્યો હતો. આમ ગેહલોત-શશી થરુર વચ્ચે મુખ્ય મુકાબલો થઈ શકે છે. ગેહલોતે નિર્ણયને પાર્ટીની આંતરિક લોકશાહી ગણાવી કહયુ કે અમે નવી શરૂઆત કરીશું.
---------------
કાલે સોનિયાને મળશે નીતિશ-લાલુ
નવી દિલ્હી, તા.ર3 : વર્ષ ર0ર4ની લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ દેશવ્યાપી મહાગઠબધંનની કવાયત શરુ થઈ છે. બિહારમાં મહાગઠબંધનના બે ટોચના નેતા મુખ્યમંત્રી નીતિશકુમાર અને આરજેડી સુપ્રિમો લાલુ યાદવ 6 વર્ષના લાંબા સમય બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને તા.રપને રવિવારે સાંજે દિલ્હી ખાતે મળવાના હોવાનું સામે આવ્યું છે.
સૂત્રો અનુસાર નીતિશ અને લાલૂને આશા હતી કે તેમની સોનિયા ગાંધી સાથેની મુલાકાત વખતે રાહુલ ગાંધી હાજર રહેશે પરંતુ તેઓ હાલ ભારત જોડો પદયાત્રા અંતર્ગત કેરળમાં છે  અને યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. નીતિશ અને સોનિયા ગાંધી વચ્ચે મુલાકાત છેલ્લે ર01પમાં બિહારની ચૂંટણી વખતે એક ઈફતારમાં થઈ હતી. નીતિશ તાજેતરમાં દિલ્હી આવ્યા ત્યારે રાહુલ ગાંધીને મળ્યા હતા પરંતુ સોનિયા ગાંધીને મળી શકયા ન હતા કારણ કે તેઓ સારવાર માટે વિદેશ ગયા હતા. રવિવારની નીતિશ-લાલૂની પ્રસ્તાવિત મુલાકાત એક શિષ્ટાચાર મુલાકાત હશે જેમાં કેટલાક ગંભીર મુદાઓ પર ચર્ચા થઈ શકે છે. મહાગઠબંધનને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાની સંભાવનાઓ ચકાસવામાં આવશે.
 

© 2022 Saurashtra Trust