દિલ્હી-એનસીઆર, ગુરુગ્રામમાં વરસાદી કેર ભારે વરસાદને પગલે રસ્તાઓ બન્યા નહેર : ટ્રાફિક જામ

દિલ્હી-એનસીઆર, ગુરુગ્રામમાં વરસાદી કેર ભારે વરસાદને પગલે રસ્તાઓ બન્યા નહેર : ટ્રાફિક જામ
નવી દિલ્હી, તા.ર3 : દિલ્હી અને એનસીઆરમાં ભારે વરસાદને પગલે નોએડા પાણી.. પાણી.. થઈ ગયું છે. ઉત્તર પ્રદેશમાં ઓછામાં ઓછા 10 જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાની ફરજ પડી છે.સતત વરસાદને પગલે રસ્તાઓ નહેરમાં બદલાઈ જતાં ખાનગી અને કોર્પોરેટ ઓફિસોમાં સ્ટાફને શુક્રવારે વર્ક ફ્રોમ હોમ નો આદેશ અપાયો હતો. ગુરુગ્રામમાં પણ ભારે વરસાદને પગલે આવી જ હાલત છે.
દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ગુરુવારથી વરસાદી માહોલ છે. યુપીમાં ભારે વરસાદ સાથે વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 1ર લોકોના મૃત્યુ થયા અને 11 ઘવાયા હતા. ફિરોઝાબાદમાં હાલત અત્યંત ખરાબ છે. અલીગઢમાં શાળાઓ બંધ કરવી પડી હતી. યુપીના 10 જિલ્લામાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવી હતી.
હવામાન વિભાગે રાજયમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરેલું છે ભારે વરસાદની ચેતવણી છે. દિલ્હીમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની ફરિયાદો ઉઠી હતી. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયાના અને લાંબો ટ્રાફિક જામ થયાની ફરિયાદો વધી હતી.
રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હોવાથી અનેક લોકોના બંધ પડેલા તથા ફસાઈ ગયેલા વાહનોને ટ્રાફિક પોલીસે બહાર કાઢયા હતા. હરિયાણાના ગુરુગ્રામમાં પણ વરસાદી કેર ચાલુ છે અહીં રસ્તાઓ પર પાણી વચ્ચે ટ્રાફિક જામ હળવો કરવા તંત્રએ શુક્રવારે વર્ક ફ્રોમ હોમનો આદેશ આપ્યો હતો.

© 2022 Saurashtra Trust