યુક્રેનનાં 4 હિસ્સામાં રશિયાએ શરૂ કર્યો જનમત સંગ્રહ

યુક્રેનનાં 4 હિસ્સામાં રશિયાએ શરૂ કર્યો જનમત સંગ્રહ
રશિયાનાં કબજાવાળા આ ચારેય વિસ્તાર ઔપચારિક ધોરણે રશિયામાં જોડાવા માગે છે કે નહીં તેનો થશે ફેંસલો
કીવ, તા.23: યુક્રેનમાં રશિયાએ આક્રમણ કરીને કબજે કરી લીધેલા પ્રદેશોમાં આજથી રશિયાએ જનમત સંગ્રહ શરૂ કરી દીધો છે. આ જનમત સંગ્રહથી નિર્ધારિત થશે કે તે પ્રદેશનાં લોકો ઔપચારિક રૂપે રશિયાનો હિસ્સો બનવા માગે છે કે નહીં. રશિયાનાં આ પગલાંની યુક્રેન અને પશ્ચિમી દેશો દ્વારા આકરી નિંદા કરવામાં આવી છે અને આને યુક્રેનનાં પ્રદેશો ઉપર અવૈધ કબજો જમાવવાની કોશિશ ગણાવી હતી.
યુક્રેનનાં ચાર હિસ્સા- હોનેટ્સ્ક, લુહાંસ્ક, ખેરસૉન અને ઝાપોરિજિયામાં રશિયાએ જનમત લેવાની શરૂઆત કરી નાખી છે. આ મતદાન પાચં દિવસ એટલે કે, 27 સપ્ટેમ્બર સુધી ચાલશે.
રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના નિયંત્રણવાળા પૂર્વ અને દક્ષિણ યુક્રેનનાં ચાર હિસ્સામાં જનમત સંગ્રહનું એલાન કર્યું હતું.
આ વિસ્તારોમાં રશિયાનાં નાગરિકોની સંખ્યા પણ બહોળી છે.
આ ચાર ભાગ રશિયાનો હિસ્સો બને તેનો દેખીતો અર્થ યુક્રેનની આર્થિક બરબાદીમાં પરિણમવાનો છે.
અમેરિકાએ રશિયાનાં આ પગલાને નર્યો દેખાડો ગણાવ્યો છે. અમેરિકાએ આવા જનમત સંગ્રહને સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. 

© 2022 Saurashtra Trust