રાષ્ટ્રીય રમતનું ગુજરાત સાક્ષી બનશે : હર્ષ સંઘવી

રાષ્ટ્રીય રમતનું ગુજરાત સાક્ષી બનશે : હર્ષ સંઘવી
ખેલાડીઓને હવે રાજકોટમાં માત્ર મહિને $ 200માં ખેલકૂદની તાલીમ મળશે
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ,તા.23 : રાજકોટની સૌપ્રથમ 5 માળની સ્પોર્ટ્સ હોસ્ટેલનું આજે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. 340 ખેલાડીઓ રોકાઇ શકે તેવી 5 માળની અદ્યતન બિલ્ડિંગ 11.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. હોસ્ટેલના લોકાર્પણ બાદ હર્ષ સંઘવીએ યુનિવર્સિટી રોડ પર 5.50 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં હર્ષ સંઘવી બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટ રમત રમ્યા હતા. સંઘવીએ કહ્યું હતું કે, રાજકોટમાં આજે લોકાર્પિત કરાયેલા સ્પોર્ટ્સ સંકુલમાં મહિનામાં માત્ર 200 રૂપિયામાં સ્પોર્ટ્સની તાલીમ મળશે. ખેલકૂદને પ્રોત્સાહન આપવા નવી સ્પોર્ટ્સ પોલિસી થકી રાજ્યના યુવાનો મેડિકલ, એન્જીનીયરીંગ, કોમર્સ વગેરે ક્ષેત્રોની જેમ જ ખેલકૂદ ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી શકે તેવો સરકારનો પ્રયાસ છે. 
36મી નેશનલ ગેમ્સનું આયોજન આ વર્ષે ગુજરાતમાં થયું છે અને તેમાં પણ રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી છે. જેમાં દેશભરમાંથી 2600 જેટલા ખેલાડીઓ રાજકોટના મહેમાન બનવાના છે ત્યારે તેમને રહેવા માટેની વ્યવસ્થા સારી રીતે થઇ શકે તે માટે આજે સ્પોર્ટ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજકોટ પોલીસ કમિશનર બંગલોની બાજુમાં પાંચ માળની આધુનિક સ્પોર્ટસ હોસ્ટેલ તૈયાર કરવામાં આવી છે. અહીં 340 ખેલાડીઓ રહી શકે તેવી આધુનિક સ્પોર્ટસ હોસ્ટેલનું બિલ્ડિંગ 11 કરોડ 50 લાખના ખર્ચે ઉભું કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યનાં જુદા જુદા 12 જિલ્લામાં ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે આગળ વધવાની વિધિવત પ્રેક્ટિસ મળી રહે તે માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્પોર્ટ્સ હોસ્ટેલનું આધુનિક બિલ્ડિંગ  બનાવવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ હોસ્ટેલના લોકાર્પણ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાષ્ટ્રીય રમતનો નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે અને ગુજરાતના યુવાનો તથા આપણે સૌ એના સાક્ષી બનીશું. રાષ્ટ્રીય રમતના સ્વાગત માટે ગુજરાતની 50 હજાર જેટલી શાળાના બાળકો આપણી પરંપરાગત લીબું ચમચી, કોથળા દોડ જેવી રમતોમાં ભાગ લીધો છે. 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી દેશભરના ખેલાડીઓ ભાગ લેવા આવશે. કોઈ જગ્યાએ ખો ખો તો કોઈ જગ્યાએ કબડી કબડીનો અવાજ સંભળાશે. આ વર્ષે ગરબા 12 વાગ્યા સુધી રમવાની છૂટ આપવામાં આવી છે તો બહારથી રમવા આવતા ખેલાડીઓને અંબા માતાજીના ગરબા રમવા પણ લઇ જજો. ખેલાડીઓને ગરબા પણ શીખવજો અને અલગ અલગ રાજ્યોમાંથી આવતા ખેલાડીઓ આપણા ગરબા રમશે શીખશે તો આવતા દિવસોમાં આસામમાં પણ ગુજરાતના ગરબા રમાશે એવી તૈયારી ગુજરાત સરકાર કરી રહી છે.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યા બાદ  નવા બેડમિન્ટન કોર્ટ પર રમતગમત મંત્રી હર્ષ સંઘવી સૌથી પહેલા સાંસદ રામભાઈ મોકરિયા સાથે બેડમિન્ટન રમ્યા હતા. સિંગલ અને ડબલ્સ ગેઇમમાં મંત્રી સંઘવીએ રામભાઈ તેમજ શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મિરાણી સામે રમત રમી બાસ્કેટ બોલમાં ગોલ પણ કર્યા હતા. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પણ બાસ્કેટ બોલ પર હાથ અજમાવી ગોલ કર્યા હતા. સંકુલના પહેલા માળે ટેબલ ટેનિસની રમતમાં મંત્રી સંઘવી અનુભવી ખેલાડીની જેમ રમ્યા હતા અને ચેમ્પિયન ખેલાડીને માત આપી હતી.
ઉલ્લેખનીય છે કે, સ્પોર્ટ્સ હોસ્ટેલ 15 મહિના પહેલા જ તૈયાર થઈ ગઈ હતી. પહેલા તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ થવાનું હતું. પરંતુ વહીવટી કારણોથી લોકાર્પણ ન થયું. ત્યાર પછી સરકાર બદલાઈ જતાં આજ સુધી હોસ્ટેલનું લોકાર્પણ થયું નહોતું. આગામી 36મી આંતરરાષ્ટ્રીય રમતોત્સવને કારણે સ્પોર્ટ્સ હોસ્ટેલના લોકાર્પણનો સમય 15 મહિના બાદ આવ્યો છે.
નવનિર્મિત સખી વન સ્ટોપ સેન્ટર બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત હિંસાથી પીડિત મહિલાઓને મદદરૂપ બનવા માટે અંદાજિત રૂ.50 લાખના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત સખી વન સ્ટોપ સેન્ટર રાજકોટના પી.ડી.યુ. હોસ્પિટલના કેમ્પસ ખાતે નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આંખોના વિભાગની બાજુમાં આશરે રૂ.50 લાખના ખર્ચે 300 સ્ક્વેર મીટરમાં તૈયાર કરવામાં આવેલા આ સેન્ટરમાં 5 સેલ્ટર રૂમ, કાઉન્સાલિંગ રૂમ, ઓફિસ તથા સ્ટાફ રૂમ, વોશરૂમ, પેન્ટ્રી સહિતની ઘર જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને સીસીટીવી કેમેરાથી આ સેન્ટર સુસજ્જ કરવામાં આવ્યું છે. અહીં સાતથી આઠ બહેનો 5 દિવસ સુધી હંગામી નિવાસ મેળવી શકે તેવી રહેવાની વ્યવસ્થા છે.

© 2022 Saurashtra Trust