‘છેલ્લો શો’ સામે સિને એસો.નાં વિરોધથી વિવાદ

‘છેલ્લો શો’ સામે સિને એસો.નાં વિરોધથી વિવાદ
મુંબઈ, તા. ર3 : ઓસ્કાર એવોર્ડ માટે ભારત તરફથી સત્તાવાર નોમિનેટ કરવામાં આવેલી પાન નલીનની ગુજરાત ફિલ્મ ‘છેલ્લો શો’ વિવાદમાં સપડાઈ છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એપ્લોઈઝ (એફડબલ્યુઆઈસીઈ) એ ફિલ્મની ઓસ્કારની દાવેદારી માટે કરવામાં આવેલી પસંદગીનો વિરોધ કર્યો છે. સંગઠને આરોપ લગાવ્યો કે આ ફિલ્મ ભારતીય છે જ નહીં. ફિલ્મની પસંદગીની રીત યોગ્ય નથી અને જ્યૂરીને જ વિખેરી નાખવી જોઈએ.
આ પહેલા ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એફએફઆઈ) એ ફિલ્મ છેલ્લો શો ને ઓસ્કાર માટે ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવ્યાની જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મનું ઈંગ્લીશ ટાઈટલ લાસ્ટ ફિલ્મ શો છે અને ભારતમાં તે 14 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. સંગઠનના અધ્યક્ષ બી.એન.તિવારીએ કહ્યુ કે આ ભારતીય ફિલ્મ નથી. સિલેક્શનની રીત પણ યોગ્ય નથી. આરઆરઆર તથા કાશ્મીર ફાઈલ્સ જેવી ફિલ્મો હોવા છતાં જ્યૂરીએ એક વિદેશી ફિલ્મની પસંદગી કરી છે જેને સિદ્ધાર્થ રોય કપૂરે ખરીદી છે. તિવારીએ માગ કરી કે જ્યૂરીને રદ કરી ફિલ્મની નવેસરથી પસંદગી કરવામાં આવે જ્યૂરીમાં કેટલાક તો એવા છે જે ફિલ્મો જોતાં નથી અને વોટિંગ કરી નાખ્યુ છે. જો લાસ્ટ ફિલ્મ શેને ઓસ્કાર માટે મોકલવામાં આવી તો તેની દેશમાં ખરાબ અસર પડશે.
ફિલ્મ મેકર અશોક પંડિતે ધ લાસ્ટ શો ને કોપી હોવાનો દાવો કર્યો હતો. તેમણે છેલ્લો શો અને સિનેમા પૈરાડાઈસોનું પોસ્ટર શેર કરી જ્યૂરીએ ફિલ્મની પસંદગી કરવામાં ભૂલ કર્યાનું તથા ફિલ્મ ઓરિજનલ ન હોવાથી રિજેક્ટ થઈ જશે તેવો દાવો કર્યો હતો.

© 2022 Saurashtra Trust