ગેહલોત કોંગ્રેસના અધ્યક્ષ બને તો રાજસ્થાનના CM કોણ બનશે?

ગેહલોત કોંગ્રેસના અધ્યક્ષ બને તો રાજસ્થાનના CM કોણ બનશે?
સચીન પાયલટ ઉપરાંત સીપી જોશી, શાંતિલાલ ધારિવાલ અને ગોવિંદ દોતાસરાના નામ પણ ચર્ચામાં
આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા. 23 : અશોક ગેહલોત કૉંગ્રેસના નવા અધ્યક્ષ બનશે એ લગભગ નિશ્ચિત બનતું જાય છે, પરંતુ તેમના સ્થાને રાજસ્થાનના મુખ્ય પ્રધાન કોણ બનશે એનું સસ્પેન્સ વધુ ઘેરું બન્યું છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં સંદોશો આપ્યો કે પાર્ટીમાં એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ હોવાથી ગહેલોત મુખ્ય પ્રધાન અને પાર્ટીના પ્રમુખ એમ બે હોદ્દા પર ન રહી શકે. આના પગલે હવે ગેહલોતે રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન અને પાર્ટીના પ્રદેશ પ્રમુખપદે પોતાના વિશ્વાસુ નેતા માટે જોર લગાવ્યું છે, કેમ કે આવતા વર્ષે રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.
ગેહલોત આવતા અઠવાડિયાની શરૂઆતમાં કૉંગ્રેસના પ્રમુખપદની ચૂંટણી માટે ઉમેદવારી કરશે એ લગભગ નક્કી છે, પરંતુ તેઓ મુખ્ય પ્રધાનપદેથી કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ રાજીનામું આપશે કે એ પહેલા એ પણ જોવાનું રહેશે. આ સાથે એ પણ સ્પષ્ટ છે કે ગેહલોત રાજસ્થાનમાં પોતાની પસંદગીના નેતાને રાજસ્થાનના મુખ્ય પ્રધાન બનાવવા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ પર દબાણ લાવશે અને પોતાના વિશ્વાસુ મુખ્ય પ્રધાન બનશે એટલે ગેહલોત રાજીનામું આપશે, એ નક્કી મનાય છે.
રાહુલ ગાંધીના વિશ્વાસુ સચીન પાયલટ રાજસ્થાનના મુખ્ય પ્રધાન બનવા માટે પ્રયાસરત છે અને તેઓ આ માટે લોબિંગ પણ કરી રહ્યા છે. પરંતુ પાયલટ ઉપરાંત હાલમાં રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન સીપી જોશી, રાજસ્થાનના વરિષ્ઠ પ્રધાન શાંતિલાલ ધારિવાલ અને રાજસ્થાન પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ ગોવિંદ સિંહ દોતાસરાના નામો પણ મુખ્ય પ્રધાનપદે આગળ કરાયા છે. પાયલટ પોતાને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે એ માટે રાહુલ ગાંધીને આગ્રહ કરી રહ્યા છે, પરંતુ પાયલટ મુખ્ય પ્રધાન બને એ ગેહલોતને પસંદ નથી. ગેહલોતની દલિલ છે કે એક વિદ્રોહીને મુખ્ય પ્રધાન ન બનાવાય, ઉપરાંત પાયલટ ગુર્જર સમુદાયના હોવાથી કૉંગ્રેસને મત આપતા જાટ અને બ્રાહ્મણ તેમ જ મીણા સમુદાયના લોકો નારાજ થઇ શકે. ભાજપે પણ ઓપી ધનખડને ઉપ રાષ્ટ્રપતિ બનાવીને જાટ સમુદાયને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.   

© 2022 Saurashtra Trust