કેરળમાં PFI બંધ હિંસક: સંઘ કાર્યાલય પર બોમ્બ ઝીંકાયા કેરળ હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લઈ ઝાટકણી કાઢી

કેરળમાં PFI બંધ હિંસક: સંઘ કાર્યાલય પર બોમ્બ ઝીંકાયા કેરળ હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લઈ ઝાટકણી કાઢી
ઉપદ્રવીઓ પર કડક પગલાં લેવા આદેશ: સંગઠન પર પ્રતિબંધ લગાવશે રાજ્ય સરકાર
તિરુવનંતપુરમ/કન્નૂર, તા.ર3 : ઈસ્લામી સંગઠન પોપ્યૂલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) ના 1પ રાજ્યના 93 સ્થળોએ એનઆઈએના દરોડા બાદ સંગઠને શુક્રવારે કેરળ બંધના આપેલા એલાન દરમિયાન અનેક શહેરોમાં હિંસા થઈ હતી. તિરુવનંતપુરમ અને કોટયમમાં 70 જેટલી સરકારી બસો, ખાનગી વાહનોમાં તોડફોડ ઉપરાંત કન્નૂરના મટ્નૂરમાં સંઘ (આરએસએસ) કાર્યાલય પર પેટ્રોલ બોંબ ઝીંકવામાં આવ્યા હતા. હિંસા મામલે પોલીસે રાજ્યભરમાં 500 જેટલા પીએફઆઈ કાર્યકરોની ધરપકડ કરી હતી. કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ એલાન કર્યું કે રાજ્યમાં પીએફઆઈ પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.
કેરળ હાઈકોર્ટે રાજ્યવ્યાપી બંધ બોલાવવા અને પીએફઆઈ નેતાઓના પ્રદર્શનનું સ્વયં સંજ્ઞાન લેતાં ઝાકટણી કાઢી કે આદેશ વિના આ રીતે બંધ બોલાવી ન શકાય. ધરપકડો બાદ આવા પ્રદર્શન અસ્વીકાર્ય છે. કોર્ટે જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડનારા તત્ત્વો વિરુદ્ધ કડક પગલાં લેવા અને સંગઠનના રાજ્ય સચિવ એ.અબૂ બકર વિરુદ્ધ કેસ નોંધવા આદેશ આપ્યો હતો.
બંધ દરમિયાન કન્નૂરમાં અખબારો લઈ જઈ રહેલી એક વાન પર પણ પેટ્રોલ બોંબ ફેંકાયો હતો. પેટ્રોલ બોંબ સાથે પોલીસે અહીં બે પીએફઆઈ કાર્યકરોને ઝડપી લીધા હતા. કોઝીકોડમાં વાહનો પર કરવામાં આવેલા પથ્થરમારામાં એક તરુણી અને એક ઓટો રિક્ષા ચાલકને ઈજા પહોંચી હતી. એમ્બ્યુલન્સ તથા બસો પર કરવામાં આવેલા પથ્થરમારામાં દોઢ ડઝન નાગરિકો ઘવાયા હતા. પીએફઆઈ કાર્યકરોએ મચાવેલા ઉત્પાતમાં સરકારી સંપત્તિને ભારે નુકસાન થયું છે. સદ્નશીબે કોઈ જાનહાની થઈ ન હતી. પોલીસ અનુસાર, કોલ્લમમાં પીએફઆઈ કાર્યકરોએ બે પોલીસકર્મી પર હુમલો કર્યો હતો. તિરુવનંતપુરમમાં હિંસા આચરનાર પાંચ કાર્યકરને પોલીસે ઝડપી લીધા હતા. રાજ્યમાં બંધ કરાવવા નિકળેલા કાર્યકરો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. અનેક શહેરોમાં હિંસા માટે પેટ્રોલ બોંબનો ઉપયોગ કરાયો હતો. કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલ કેરળમાં છે જે બંધના એલાનને પગલે રોકી દેવામાં આવતાં ભાજપે કટાક્ષ સાથે નિંદા કરી હતી.

© 2022 Saurashtra Trust