શેરબજારમાં 5 લાખ કરોડનું ધોવાણ

શેરબજારમાં 5 લાખ કરોડનું ધોવાણ
મુંબઈ,તા.23: અમેરિકામાં કેન્દ્રીય બેન્કે વ્યાજદરમાં વધારો કરતાં ભારતીય શેરબજારમાં આવેલી નકારાત્મક અસર આજે પણ આગળ ધપી હતી અને આજે તો તીવ્રતાથી શેરઆંક તૂટયા હતાં. સતત ત્રીજા શેરબજારમાં ઘટાડો જારી રહ્યો હતો અને તેમાં બીએસઈનો સેન્સેક્સ 1020 પોઈન્ટ ઘટીને પ8098 અને એનએસઈનો નિફ્ટી 302 પોઈન્ટ ઘટીને 17327 પોઈન્ટની સપાટીએ બંધ આવ્યો હતો. આજનાં આ ગાબડાંને પગલે શેરબજારમાં રોકાણકારોનાં પ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું હતું. બીજીબાજુ ડોલર સામે નબળો પડી રહેલો રૂપિયો પણ આજે વધુ 13 પૈસા તૂટયો હતો અને ડોલરનો ભાવ વધીને 81 રૂપિયાની વિક્રમી નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આજે શેરબજારમાં જોરદાર વેચવાલીમાં બેન્ક અને ફાયનાન્સ કંપનીઓનાં શેરનાં ભાવમાં મોટા કડાકા બોલી ગયા હતાં. નિફ્ટી બેન્કમાં હેવીવેટ અને ડી-સ્ટ્રીટની પસંદગીની એચડીએફસી બેન્કનાં શેરમાં 2.7 ટકાનો ઘટાડો થયો હતો. અમેરિકામાં વધતા વ્યાજદર અને વધી રહેલી વૈશ્વિક મંદીની ભીતિમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી ગુરુવારે 2પ00 કરોડ રૂપિયા ઉસેડી લીધા હતાં.
સેન્સેક્સનાં શેરોમાં પણ પાવરગ્રિડનાં શેરોમાં સૌથી મોટો 7.93 ટકાનો ઘટાડો થયો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્ર, એસબીઆઈ, બજાજ ફિનસર્વ, બજાજ ફાયનાન્સ, એનટીપીસી, એચડીએફસી અને ઈંડસઈંડ બેન્કનાં શેરોમાં પણ મોટાપાયે વેચવાલી નીકળી હતી. તેની સામે કેવળ સન ફાર્મા, તાતા સ્ટીલ અને આઈટીસીનાં શેર લાભ સાથે બંધ થયા હતાં.
એશિયાનાં અન્ય બજારોની વાત કરવામાં આવે તો દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી, ચીનનો શંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગ પણ નુકસાનમાં લાલ નિશાની ઉપર બંધ થયા હતાં. યુરોપનાં બજારોમાં પણ શરૂઆતી કારોબારમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓઈલ માપદંડ બ્રેંટ ક્રૂડ ઓઈલ 1.87 ટકા ઘટીને 88.77 ડોલર પ્રતિબેરલ થયો હતો.

© 2022 Saurashtra Trust