મારાથી મજબૂત કોઈ ધારાસભ્ય મળે તો તેને ચૂંટી કાઢજો: જયેશ રાદડિયા

મારાથી મજબૂત કોઈ ધારાસભ્ય મળે તો તેને ચૂંટી કાઢજો: જયેશ રાદડિયા
‘આપ’ના નેતાઓ ઉદ્યોગપતિઓ પાસે ખંડણી માગતા હોવાનો વીરપુરમાં આયોજિત ખેડૂત સહકારી મંડળીના કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રીનો આક્ષેપ
(ફૂલછાબ ન્યુઝ)
વીરપુર, તા.22: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવાની રાજનીતિ પણ વેગ પકડી રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર-પ્રસાર શરૂ કર્યો છે ત્યારે આપના નેતાઓ ઉદ્યોગપતિઓ પાસે ખંડણી માગતા હોવાના આક્ષેપ સાથે પોતાનાથી મજબૂત કોઈ ધારાસભ્ય મળે ત્યારે મને ના પાડી દેજો હું નીચે બેસી જઈશ તેવું પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુર-જામકંડોરણાના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ આજે જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ખાતે જેતપુર સહકારી સંઘ અને વીરપુર જૂથ સેવા સહકારી મંડળીની ખેડૂત શિબિરનું વીરપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુર જામકંડોરણાના ભાજપ  ધારાસભ્ય જયેશ રાદડિયાએ ખેડૂત શિબિરમાં પોતાનાં વક્તવ્ય દરમિયાન આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા.
રાદડિયાએ જણાવ્યું હતું કે, હમણાં નવા સાવેણા વાળા નીકળ્યા છે જે કોઈ પેલા ન હતા હવે આવ્યા છે અને લોભામણી સ્કિમ આપી રહ્યા છે ત્યારે લોકોએ કોઈનો ભરોસો ના કરી લેવો કારણ કે પાંચ વર્ષ કોઈ દેખાતું નથી અને જ્યારે હાલ ચૂંટણીને બે મહિના બાકી છે એટલે બધા નીકળી ગયા છે, જેમાં આપવાળા તો ગેરંટી કાર્ડ બાટે છે અને લલચામણી લોભામણી જાહેરાત લઈને આવે છે. નવી આવેલી આમ આદમી પાર્ટીવાળી ટોળકી નીકળી છે. ગેરંટી કાર્ડ દેવા માટે પણ એની ગેરંટી ક્યાં લેવા જશો તેવા કટાક્ષ કર્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હજુ સત્તામાં નથી ત્યાં ઉદ્યોગપતિઓ પાસે ખંડણીઓ માગે છે ત્યારે આવા લોકો આપણા વિસ્તારમાં આવી જાય તો આપણી સુરક્ષા શું થાય તે પણ એક ચર્ચાનો વિષય છે ત્યારે દરેકે આવા લોકોને આપણે પ્રોત્સાહન આપવાનું નથી તેવું જણાવ્યું છે. આ સાથે જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે જ્યારે મારાથી વિશેષ ધારાસભ્ય સૌ કોઈને મળે ત્યારે મને ના પાડી દેજો મારી નીચે બેસવાની તૈયારી છે. ક્યાંકને ક્યાંક આ પ્રકારનું નિવેદન આપીને રાદડિયાએ આગામી ધારસભાની ચૂંટણી લડવાનો સંકેત આપી દીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

© 2022 Saurashtra Trust