ગુજરાતમાં પ્રદૂષણમાં રાજકોટ નં.2 : ‘કેગ’ના રિપોર્ટમાં ખુલાસો

ગુજરાતમાં પ્રદૂષણમાં રાજકોટ નં.2 : ‘કેગ’ના રિપોર્ટમાં ખુલાસો
-વડોદરા પ્રદૂષણમાં મોખરે, રાજકોટમાં વર્ષ 2009ની તુલનાએ સીઈપીઆઈ આંક 3.86 ટકા વધ્યો : અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ જેવા શહેરો પ્રદૂષિત શહેરની યાદીમાંથી બહાર
 
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ તા.22 : રાજકોટ શહેરમાં નજીકના ભવિષ્યમાં શ્વાસ લેવામાં પણ શુદ્ધ હવાની તિવ્ર અછત સર્જાય તેવા સંજોગો જોવા મળી રહ્યાં છે. 14મી વિધાનસભાના અંતિમ ચોમાસુ સત્રમાં અંતિમ દિવસે વિધાનસભામાં હવા પ્રદૂષણ નિયંત્રણ અંગેની કામગીરીનો કેગના રિપોર્ટમાં રાજકોટમાં જોખમી પ્રદુષણ હોવાનું અને વડોદરા બાદ તે રાજ્યમાં બીજા ક્રમનું પ્રદુષિત શહેર હોવાનું બહાર આવ્યું છે. રાજકોટનો સીઈપીઆઈ આંક વર્ષ 2009ની તુલનાએ 3.86 ટકા વધ્યો હોવાનું આ રિપોર્ટમાં બહાર આવ્યું છે. કેગના રિપોર્ટમાં અન્ય રાજયોમાં પણ હવા પ્રદૂષણને લઈને ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યાં છે.
રાજકોટની શહેરની વાત કરીએ તો કેગના રિપોર્ટમાં વર્ષ 2018માં શહેરનો 70.62 ટકાનો સૂચકાંક નોંધાયો છે જે અગાઉ વર્ષ 2009માં 66.78 ટકા હતો. આ વખતે સૌથી વધુ પ્રદૂષિત શહેર વડોદરા રહ્યું છે. અલબત આ યાદીમાંથી અમદાવાદ, ઓઢવ અને નરોડા વિસ્તાર ભાવનગર અને જૂનાગઢને દૂર કરવામાં આવ્યાં છે. આ રિપોર્ટમાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગને એમ કહીને આડે હાથ લેવામાં આવ્યો છે કે, વિભાગ દ્વારા હાઈવે પર વાવેતર માત્ર એક જ માર્ગ પર કરવામાં આવ્યું છે.
કેગના રિપોર્ટમાં નદી કિનારે રાખના ઢગલા નાખવા મુદ્દે ટોરેન્ટ પાવરને જાન્યુઆરી 2022માં નોટીસ ફટકારવામાં આવી હતી છતાં તેનું અનુપાલન ન થતાં, પ્રદૂષણ બોર્ડ દ્વારા કંપની સામે જૂન 2021 સુધીમાં કોઈ પગલા લેવામાં ન આવ્યાનું પણ બહાર આવ્યું છે. આ અહેવાલમાં વાહનોના ધુમાડાના કારણે પ્રદૂષણ બાબતે રાજ્યની વાહન વ્યવહાર વિભાગની કામગીરી સામે પણ ટિપ્પણી કરવામાં આવી છે. જાહેર જનતા દ્વારા કુલ 135 પેટ્રોલ પંપની ફરિયાદ કરવામાં આવી હતી જેમાં તપાસ બાદ11 પેટ્રોલપંપમાં ભેળસેળ કરેલુ પેટ્રોલ વેંચાતા હોવાનું પણ સામે આવ્યું છે.
આ ઉપરાંત કચ્છમાં સૌથી મોટા અદાણી પાવર લિમીટેડ કંપનીને વર્ષ 2014-15 અને 2018-19 વચ્ચે નિચાણવાળા વિસ્તારોની પૂરણી કરવા માટે 15.42 લાખ મેટ્રીક ટન ઉડતી રાખનો વપરાશ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી વગર કર્યો હોવાનું બહાર આવ્યું છે. ઉડતી રાખના સુચારુ નિકાલ માટે કંપની દ્વારા 2021 સુધી કોઈપણ પ્રણાલીની સ્થાપના કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે. કચ્છમાં 8620 મેગાવોટના તાપ વિદ્યુત મથકની સ્થાપના કર્યા બાદ પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે. કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડે પણ વર્ષ 2018-19માં 0796 લાખ મેટ્રીક ટન ઉડતી રાખ નાખી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.
 

© 2022 Saurashtra Trust