ઈમામ સંગઠનનાં વડાએ ભાગવતને ગણાવ્યાં રાષ્ટ્રપિતા, રાષ્ટ્રઋષિ

ઈમામ સંગઠનનાં વડાએ ભાગવતને ગણાવ્યાં રાષ્ટ્રપિતા, રાષ્ટ્રઋષિ
હિન્દુ-મુસ્લિમોમાં સંપ સંઘનું લક્ષ્ય : સંઘ સુપ્રીમો ભાગવતે મસ્જિદમાં જઇ કરી મુલાકાત
નવી દિલ્હી, તા. 22 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખિયા મોહન ભાગવતે ગુરુવારે ઓલ ઇન્ડિયા ઇમામ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ડો. ઉમર અહમદ ઇલિયાસીની મસ્જિદમાં જઇને મુલાકાત કરી હતી.
કોઇ મુસ્લિમ ધાર્મિક સંગઠનના પ્રમુખ સાથે સંઘ પ્રમુખ ભાગવતની મસ્જિદમાં આ પહેલી મુલાકાત હતી. દિલ્હીમાં કસ્તુરબા ગાંધી માર્ગ સ્થિત મસ્જિદના બંધ ઓરડામાં બંને વચ્ચે લગભગ એક કલાક બેઠક ચાલી હતી.
આ મુલાકાત કરીને ભાગવતે એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે, સંઘ સ્વયં ચાલીને તેના પ્રત્યે મુસ્લિમોની ગેરસમજ દૂર કરવા માગે છે. હિન્દુ-મુસ્લિમ સમુદાય વચ્ચે સાંપ્રદાયિક સોહાર્દ, સંપનો સેતુ રચવા માગે છે.
બેઠક બાદ પત્રકારોએ ‘િહન્દુ-મુસ્લિમનાં ડીએનએ એક છે’ તેવા ભાગવતનાં નિવેદન વિશે પૂછતાં ડો. ઉમર ઇલિયાસીએ કહ્યું હતું કે, તેમણે સાચું જ કહ્યું છે. ભાગવત રાષ્ટ્રપિતા, રાષ્ટ્રઋષિ છે.
સંઘના નેતા માને છે કે, કેટલાક રાજકીય પક્ષોએ મુસ્લિમ મતદારોના મત મેળવવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે ભ્રામક વાતો ફેલાવી છે.
આર.એસ.એસ. અત્યારે દેશ જ નહીં, પરંતુ દુનિયાના સૌથી મોટા સંગઠનોમાંથી એક છે. ભારતના હિન્દુ સમાજ પર સંઘનો મોટો પ્રભાવ છે, ત્યારે દેશના એક મોટા વર્ગરૂપ મુસ્લિમ સમુદાય સંઘને ‘મુસ્લિમ વિરોધી’ દૃષ્ટિથી જુએ તે ઉચિત નથી તેવા વિચાર સાથે ભાગવત ઇમામોના સંગઠનના મુખિયા ડો. ઇલિયાસીને મળ્યા હતા.
 

© 2022 Saurashtra Trust