PFI ઉપર દેશવ્યાપી દરોડા: 100થી વધુની ધરપકડ

PFI ઉપર દેશવ્યાપી દરોડા: 100થી વધુની ધરપકડ
12 રાજ્યમાં 100 જેટલાં ઠેકાણે NIA અને EDની ધોંસ: રાતથી શરૂ થયેલું ફિલ્મી સ્ટાઇલ ઓપરેશન: પીએફઆઇના પદાધિકારીઓ, આગેવાનોનાં ઘર, કાર્યાલયમાં ત્રાટકી એજન્સી: અમિત શાહ, ડોભાલની ઉચ્ચસ્તરીય બેઠક: કેરળ, કર્ણાટકમાં PFIના વિરોધી દેખાવ
 
નવીદિલ્હી, તા.22: આતંકવાદ વિરોધી અભિયાનમાં આતંકી ભંડોળ સામે કાર્યવાહી કરતા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઇએ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) દ્વારા આજે જબરદસ્ત સર્જીકલ સ્ટ્રાઇકમાં 12 રાજ્યમાં 100થી વધુ ઠેકાણે ધોંસ બોલાવવામાં આવી હતી અને 107 લોકોની ધરપકડ કરી છે. અડધા દેશમાં કથિત દેશવિરોધી પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા(પીએફઆઈ)ના પદાધિકારીઓના આવાસ અને કાર્યાલયો ઉપર દરોડાની આ કાર્યવાહી છે. એનઆઇએ અને ઇડીની આ કાર્યવાહી પછી કેરળ અને કર્ણાટકમાં પીએફઆઇ પક્ષના કાર્યકરો દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવી રહ્યાં છે.
આ ઓપરેશન માટે ગૃહ મંત્રાલય અને બન્ને એજન્સીઓ દ્વારા છાનીરાહે સજ્જડ તૈયારી કરવામાં આવી હતી. ફિલ્મી સ્ટાઇલમાં બુધવારની રાતે એક વાગ્યાથી આ કાર્યવાહી શરૂ થઈ હતી અને પછી સવાર સુધીમાં શરૂ કરવામાં આવેલા દરોડામાં કોઈની પાસે છટકવાનો કોઈ મોકો બચ્યો ન હતો. તમામ રાજ્યોની પોલીસને પણ બન્ને એજન્સીઓની સહાયતા માટે ખડેપગે રાખવામાં આવી હતી.
આ દરોડામાં દિલ્હી, કેરળ, મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યોના પક્ષના પ્રદેશ પ્રમુખોની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. આજની આ કાર્યવાહી પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને કામગીરીની સમીક્ષા કરી હોવાનું માનવામાં આવે છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ગૃહ સચિવ અજય ભલ્લા સહિતના અધિકારીઓ મોજૂદ રહ્યા હતા.
દેશભરમાં ખળભળાટ મચાવી દેતી આજની કાર્યવાહી પછી અધિકારીઓના જણાવ્યા અનુસાર આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડવા, આતંકીઓ માટે તાલીમની વ્યવસ્થા કરવા અને પ્રતિબંધિત સંગઠનોમાં લોકોને જોડવા માટે ગેરમાર્ગે દોરવવામાં શામેલ લોકોને આજે નિશાન બનાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પીએફઆઇની સ્થાપના 2006માં કેરળમાં થઈ હતી. તેની સામે નાગરિકતા સુધારા કાયદા વિરોધી દેખાવો, 2020નાં દિલ્હીનાં તોફાનો, યુપીમાં હાથરસમાં દલિત મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ અને હત્યા સહિતના ગંભીર આરોપોની તપાસ ચાલી રહી છે.
દરોડા પછી પીએફઆઇએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, પક્ષના રાષ્ટ્રીય, રાજ્ય સ્તરના અને સ્થાનિક નેતાઓનાં ઠેકાણાઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. પક્ષ આ ફાંસીવાદી શાસન દ્વારા અસંતોષના અવાજને દબાવી દેવા એજન્સીઓનાં દુરુપયોગનો સખત વિરોધ કરે છે.

© 2022 Saurashtra Trust