રૂપિયો રાંક : ડોલર સામે 80.87નાં તળિયે

રૂપિયો રાંક : ડોલર સામે 80.87નાં તળિયે
-  અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદર વધારતાં રૂપિયામાં ગાબડું: વિક્રમી નીચલા સ્તરે: શેરબજારમાં પણ અફરાતફરી
 
 
નવી દિલ્હી, તા. 22: અમેરિકાની કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વે આજે પોતાનાં વ્યાજદરોમાં 0.7પ ટકાનો વધારો કરવાં સાથે જ રૂપિયો કડાકાભેર તૂટીને અભૂતપૂર્વ તળીયે સરકી ગયો છે. પહેલીવાર ડોલરનો ભાવ 81 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. છેલ્લા સાત માસનાં સૌથી મોટા 89 પૈસાનાં ગાબડા સાથે ડોલરનો ભાવ 80.87 રૂપિયાની સપાટીએ બંધ આવ્યો હતો. ફેડ દ્વારા વ્યાજદરમાં વધારો અને રૂપિયામાં કડાકાની અસરે ભારતીય શેરબજારમાં પણ આજે ભારે અફરાતફરી જોવા મળી હતી.
ચાલુ વર્ષમાં ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 10 ટકા જેટલું ગગડી ગયું છે. છેલ્લા બે અઠવાડિયામાં રૂપિયો 1.3પ પૈસા જેટલો નબળો પડયો છે. અમેરિકામાં વધતા વ્યાજદર, વિદેશી રોકાણકારોની વેચવાલી, યુક્રેન-રશિયા યુદ્ધ અને 20 વર્ષની ઉંચાઈએ પહોંચી ગયેલા ડોલર ઈન્ડેક્સ સહિતનાં કારણોથી રૂપિયો કમજોર થઈ ગયો છે.
આજે ડોલર સામે રૂપિયો 31 પૈસાની નબળાઈ સાથે 80.29નાં સ્તરે ખુલ્યો હતો. આજનાં કારોબારી સત્ર દરમિયાન તેમાં એકધારો ઘટાડો નોંધાયો હતો અને અંતમાં વિક્રમી તળીયે બંધ થયો હતો.
ફેડ દ્વારા વ્યાજરોમાં વધારાનાં કારણે એશિયાની અન્ય મુદ્રાઓ પણ નબળી રહી હતી. સાઉથ કોરિયાનું ચલણ વોર્ન 1 ટકા ઘટયું હતું. જ્યારે ફિલીપીન્સની કરન્સી પેસોમાં .73 ટકાનો, ચીનનાં ચલણ રેન્મિન્બીમાં 0.6 ટકા, જાપાનની કરન્સી યેનમાં 0.પ7 ટકા, થાઈલેન્ડનાં થાઈબાતમાં 0.પ1 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
અમેરિકામાં વ્યાજદરમાં વધારો અને રૂપિયાનાં મૂલ્યમાં ગાબડાને પગલે ભારતીય શેરબજારોમાં પણ ભારે ઉથલપાથલ મચી હતી. સેન્સેક્સ 59073.84ની સપાટીએ ખુલીને 58832ના તળીયે અને 59457ની ઉંચાઈ સુધી ગયો હતો અને આખરે કારોબારનાં અંતે 337.06 અંક ઘટીને 59119.72નાં સ્તરે બંધ આવ્યો હતો.
 

© 2022 Saurashtra Trust