મોંઘવારી અને તેલના વધતા ભાવ મુદ્દે કોંગ્રેસે ગૃહને ગજવ્યું

‘ન્યાય આપો’ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન
(ફૂલછાબ ન્યુઝ) અમદાવાદ, તા.22: ગુજરાત વિધાનસભા સત્રના આજે બીજા અને અંતિમ દિવસે કોંગ્રેસે ગૃહમાં મોંઘવારી તેલના ભાવ મુદ્દે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ટૂંકી મુદતના સવાલના જવાબ સામે વાંધો ઉઠાવ્યો હતો ત્યારે અધ્યક્ષે ટકોર કરી હતી કે આ મુદ્દે છેલ્લા દિવસના પ્રસ્તાવમાં 1 કલાકનો સમય છે ત્યારે ચર્ચા કરીશું. જો કે કોંગ્રેસના ધારાસભ્યોએ ન્યાય આપો, ન્યાય આપોના સૂત્રોચ્ચારથી ગૃહને ગજવી મૂક્યું હતું.
કોંગ્રેસનાં ધારાસભ્ય પરેશ ધાનાણીએ ખાદ્ય તેલના ભાવ વધારા મુદ્દે સરકારને સવાલો કર્યા હતા. મોંઘા ખાદ્ય તેલ મામલે સરકાર - વિપક્ષ આમનેસામને આવ્યા હતા. તેમણે પ્રશ્નો ઉઠાવ્યા હતા કે, આજે તેલનો ડબ્બો 3 હજાર રૂપિયાને પાર થયો છે. ભાજપના શાસનમાં સિંગતેલનો ડબ્બો 2600ને પાર, તો કપાસિયા તેલનો ડબ્બો 2500ને પાર થયાનો સરકારે ખુદ સ્વીકાર્યું છે. તમામ ખાદ્ય તેલના ભાવ આસમાને છે. ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યા પણ તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. ગુજરાની લાખો ગૃહિણીનું બજેટ ખોરવાયું છે ત્યારે તેમને સસ્તું તેલ ક્યારે મળશે.
ખાદ્ય તેલના વધતા ભાવ પર અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલે ગૃહમાં જવાબ આપ્યો કે, આપણે તેલ માટે વિદેશ પર આધારિત છે. 60-70 ટકા તેલ આયાત કરવું પડે છે. ગુજરાતમાં ખાદ્ય તેલની માથા દીઠ વપરાશ સૌથી વધુ છે. અમારી સરકારે ગરીબો અને છેવાડાના માનવીની ચિંતા કરી છે. 35 લાખ કાર્ડ ધારકોને તેલ અપાતું હતું તેના બદલે હવે 71 લાખ કાર્ડ ધારકોને તેલ અપાય છે. યુક્રેનનાં યુદ્ધનાં કારણે પણ તેલના પુરવઠા પર અસર થઈ છે. આપણે હાલ 97 રૂપિયા સબસીડી આપીએ છીએ. 3.5 કરોડ જનતાને 100 રૂપિયાના ભાવે લીટર તેલ આપીએ છીએ.

© 2022 Saurashtra Trust