માત્ર ગુજરાતમાં લોકો દારૂ નથી પીતા, આપણે દારૂ પીવો જોઇએ !

આપના સોમનાથ સીટના ઉમેદવાર જગમાલ વાળાનો વીડિયો વાયરલ
(ફૂલછાબ ન્યુઝ)
વેરાવળ, તા.22 : સોમનાથ વિધાનસભા વિસ્તારમાં સંવાદ કાર્યક્રમ વખતે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ અને સોમનાથ સીટના ઉમેદવાર જગમાલ વાળાનો વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે. જેમાં માત્ર ગુજરાતમાં લોકો દારૂ  નથી પીતા, આપણે દારૂ પીવો જોઈએ, અધિકારીઓ અને મોટા લોકો દારૂ પીવે છે તેવું જાહેર સભામાં બોલતા અનેક ચર્ચાઓ સાથે લોકો આશ્ચર્યમાં મૂકાયા છે.
સોમનાથ વિધાનસભા વિસ્તારમાં સંવાદ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ અને સોમનાથ સીટના ઉમેદવાર જગમાલ વાળાએ એક જાહેર સભાને સંબોધતા જણાવેલ કે, માત્ર ગુજરાતમાં લોકો દારૂ નથી પીતા, આપણે દારૂ પીવો જોઈએ, અધિકારીઓ અને મોટા લોકો દારૂ પીવે છે. વધુમાં જણાવેલ કે, વિશ્વમાં 800 કરોડની વસ્તી હોઈ, વિશ્વમાં 196 દેશમાં દારૂ પીવાની છૂટ હોઈ, સમગ્ર ભારતમાં પણ દારૂ ઉપર પ્રતિબંધ નથી ત્યારે ફકત ગુજરાતમાં દારૂબંધી કેમ...?? તેવો પ્રશ્ન જાહેર સભામાં ઉઠાવ્યો હતો.
આ જાહેર સભા સોમનાથ વિસ્તારના ગામડાની મુલાકાત દરમિયાન યોજાયેલ. જેમાં જાહેર સંવાદ કાર્યક્રમમાં જગમાલ વાળાએ દારૂના દૂષણને અપનાવવા લોકોને ઉકસાવતા હોય તેમ મોટા લોકો દારૂ પીવે છે, આઈએએસ આઈપીએસ દારૂ પીવે છે તાકાત હોય એટલો દારૂ પીવો આવા વચનો 21મી સદીના નેતાના મુખે સાંભળીને લોકો આશ્ચર્યમાં મૂકાયા છે.
લઠ્ઠા કાંડ વખતે સરકારને ઘેરનાર આપના નેતાઓ દારૂ પીવા લોકોને ઉકસાવતા હોય તેવો ભાજપ પક્ષે આ વીડિયો બાદ દાવો કર્યો હોવાનું જણાવેલ છે.

© 2022 Saurashtra Trust