એક જ કર્મી ધરાવતી ચાર કંપની સાથેના કારોબારથી 2100 કરોડની છેતરપિંડી

એક જ કર્મી ધરાવતી ચાર કંપની સાથેના કારોબારથી 2100 કરોડની છેતરપિંડી
સીબીઆઇએ રોટોમેક દ્વારા આચરવામાં આવેલી છેતરપિંડીનો ભાંડાફોડ કર્યો
નવી દિલ્હી, તા. 22: તપાસ એજન્સી સીબીઆઇએ કાનપુરમાં વધુ એક મોટા કૌભાંડનો ખુલાસો કર્યો છે. રોટોમેક કંપનીએ ચાર કંપની સાથે 26,000 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો અને ખાસ વાત એ છે કે આ ચારેય કંપનીનું સરનામું એક જ છે તેમજ કર્મચારી પણ એક જ છે. સીબીઆઇ તપાસ કરી રહી છે કે કેવી રીતે આવા એક કર્મચારીની કંપની સાથે કારોબારના આધારે રોટોમેકને 2100 કરોડનું કરજ આપવામાં આવ્યું હતું.
આ ખુલાસા બાદ સીબીઆઇ પોતે પણ ચોંકી ઉઠી છે. તપાસમાં સામે આવ્યું છે કે રોટોમેકે માત્ર ચાર કંપની સાથે જ 26,143 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો. આ કંપનીઓનું સરનામું એક જ છે જે એક 1500 વર્ગફૂટનો હોલ છે તેમજ કંપનીમાં એક જ કર્મચારી છે અને સીઇઓ પણ એ જ છે. કંપનીઓ સાથે થઈ રહેલા અબજોના વેપારના આધારે બેન્કે રોટોમેકને 2100 કરોડ રૂપિયાની લોન આપી હતી.
સીબીઆઇએ આરોપ મૂક્યો છે કે ડાયરેક્ટર વિક્રમ કોઠારી અને રાહુલ કોઠારીએ અન્ય લોકો સાથે પોતાની બેલેન્સશીટમાં ચેડા કરીને બેન્કોને ડામ દીધો છે તેમજ અયોગ્ય રીતે લોન લીધી છે. પંજાબ નેશનલ બેન્કની ફરિયાદ ઉપરથી સીબીઆઇએ રોટોમેક ગ્લોબલના ડાયરેક્ટર રાહુલ કોઠારી, સાધના કોઠારી અને અન્ય અજ્ઞાત અધિકારીઓ સામે 93 કરોડની છેતરપિંડીનો નવો કેસ દાખલ કર્યો છે. સીબીઆઇ કહ્યું છે કે, ચાર કંપની રોટોમેકના સીઇઓ રાજીવ કામદારના ભાઈ પ્રેમલ પ્રફુલ્લ કામદારની માલિકીની છે.

© 2022 Saurashtra Trust