માર્શલ લોના ડરથી દેશ છોડીને ભાગી રહ્યા છે રશિયન નાગરિકો

માર્શલ લોના ડરથી દેશ છોડીને ભાગી રહ્યા છે રશિયન નાગરિકો
ત્રણ લાખ આરક્ષિત સૈનિકોની ઘોષણા બાદ રશિયાથી બહાર જતી વનવે ફ્લાઈટમાં ધસારો
નવી દિલ્હી, તા. 22 : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આરક્ષિત સૈનિકોની તૈનાતીનું એલાન કર્યા બાદ તેની સૌથી મોટી અસર રશિયામાં જ જોવા મળી રહી છે અને ઘણા નાગરિકો દેશ છોડી રહ્યા છે. આ વાતનો પુરાવો રશિયાથી બહાર જઈ રહેલી ફ્લાઈટના બુકિંગના આંકડા છે. અહેવાલ મુજબ યાત્રી રશિયાથી બહાર નિકળવા માટે વનવે ટિકિટ બુક કરાવી રહ્યા છે. જેના કારણે ફ્લાઈટની કિંમતમાં પણ વધારો થયો છે.
હકીકતમાં રાષ્ટ્રપતિ પુતિને આપેલી ચેતવણી બાદ રશિયાના લોકોમાં માર્શલ લોનો ડર છે. મીડિયા રિપોર્ટ અનુસાર નાગરિકોને ચિંતા છે કે માર્શલ લો લાગશે તો યુદ્ધ લડવા સક્ષમ પુરુષોને રશિયા છોડવાની મંજૂરી મળશે નહીં. પુતિને 25 ફેબ્રુઆરીના રોજ યુક્રેન સામે સૈન્ય કાર્યવાહીનું એલાન કર્યું હતું. ફ્લાઈટ ટ્રેકિંગ સર્વિસ ફ્લાઈટ રડાર તરફથી જારી વીડિયોમાં રશિયાથી વનવે ઉડાન ભરી રહેલા વિમાનોની જાણકારી મળી રહી છે. જેમાં કહેવાય છે કે દેશથી બહાર જઈ રહેલી તમામ ફ્લાઈટ મોટાભાગની બુક છે. પુતિને ત્રણ લાખ આરક્ષિત સૈનિકોની ઘોષણા કરી હતી. તેમજ રશિયાની સંપ્રભુતા માટે આ પ્રક્રિયાને આવશ્યક ગણાવતા આરોપ મૂક્યો હતો કે પશ્ચિમી દેશો રશિયાને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
----------------
તો લંડનમાં પરમાણુ મિસાઇલથી હુમલો થશે : પુતિનના પૂર્વ સલાહકારની ધમકી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પૂર્વ સલાહકાર સેરગેઈ મારકોવે યુક્રેન યુદ્ધમાં દખલનાં કારણે બ્રિટનને મોટી ધમકી આપી છે. મારોકવે કહ્યું છે કે યુકે આક્રમક વલણ જારી રાખશે તો પછી મિસાઇલના નિશાને બ્રિટન આવી શકે છે. મારકોવે ચેતવણી આપતા કહ્યું હતું કે, બ્રિટનનાં શહેરોને નિશાન બનાવવામાં આવશે. બધી સવાર દરેક લોકો માટે સારી નથી હોતી. સેરગેઈએ કહ્યું હતું કે, પુતિને કહી દીધું છે કે તેઓ પશ્ચિમી દેશો સામે પરમાણુ હથિયારોના ઉપયોગ કરવા માટે તૈયાર છે. જેમાં બ્રિટન પણ સામેલ છે. 

© 2022 Saurashtra Trust