જ્ઞાનવાપી કેસ: શિવલિંગના કાર્બન ડેટિંગ મુદ્દે નોટિસ જારી

જ્ઞાનવાપી કેસ: શિવલિંગના કાર્બન ડેટિંગ મુદ્દે નોટિસ જારી
29મીએ જવાબ દાખલ કરવામાં આવશે : મુસ્લિમ પક્ષે સુનાવણી ટાળવા કરેલી અરજી અદાલતે ફગાવી
નવી દિલ્હી, તા. 22: જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી મામલામાં ગુરુવારે નિયમિત સુનાવણી થઈ હતી. આ દરમિયાન હિન્દુ પક્ષ તરફથી જ્ઞાનવાપીમાં મળેલા શિવલિંગની કાર્બન ડેટિંગની માગણી કરતો પત્ર દાખલ કરવામાં આવ્યો હતો. જેના ઉપર અદાલતે મુસ્લિમ પક્ષ તરફથી જવાબ દાખલ કરવા નોટિસ જારી કરવામાં આવી હતી. હવે આગામી સુનાવણી 29મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. આ પહેલા મુસ્લિમ પક્ષે સુનાવણીને આઠ અઠવાડિયા માટે ટાળવાની અરજી કરી હતી. જો કે અદાલતે આ માગણી માન્ય રાખી નહોતી. આ સાથે પક્ષકાર બનવા માટે આવેલી 15 અરજી ઉપર પણ દલીલ કરવામાં આવી હતી અને તેના ઉપરનો આદેશ સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.
મા શ્રૃંગાર ગૌરી કેસમાં અરજકર્તા મહિલાઓના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું હતું કે અંજુમન ઈંતેજામિયા મસ્જિદ કમિટી તરફથી કોર્ટમાં એપ્લિકેશન આપવામાં આવી હતી કે સુનાવણી આઠ અઠવાડિયા બાદ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે શ્રૃંગાર ગૌરી કેસમાં જિલ્લા જજના આદેશથી કોઈ પક્ષ અસહમત બને તો તેની સામે ઉચ્ચ અદાલતમાં જઈ શકે છે. આ માટે સમય મળવો જોઈએ. જો કે જિલ્લા જજની કોર્ટે સુનાવણી ટાળવાની અરજી ખારિજ કરી હતી અને કહ્યું હતું કે, સુપ્રીમનો ઓર્ડર સ્પષ્ટ છે. જેમાં ટ્રાયલમાં સ્ટેની કોઈ વાત કરવામાં આવી નથી. શ્રૃંગાર ગૌરી કેસમાં પક્ષકાર બનવા 16 લોકોએ અરજી કરી હતી અને તેમાંથી માત્ર નવ લોકો હાજર રહ્યા હતા. એક એપ્લિકેશન પરત લેવામાં આવ્યા બાદ 8 લોકોને કોર્ટે પોતાના પુરાવા અને તથ્ય રજૂ કરવા કહ્યું હતું. પક્ષકાર બનવાની માગણી ઉપર પણ 29 સપ્ટેમ્બરના રોજ કોર્ટ પોતાનો આદેશ જારી કરશે. 

© 2022 Saurashtra Trust