ક્યૂટોનના બેનામી કરોડના વ્યવહારોમાં રાજકોટ ભાજપના નેતાનું નામ ખૂલ્યું?

ક્યૂટોનના બેનામી કરોડના વ્યવહારોમાં રાજકોટ ભાજપના નેતાનું નામ ખૂલ્યું?
ભાજપના એક સિનિયર અગ્રણીનો 200 કરોડનો હવાલો ખૂલ્યો છતાં ‘ઈડી’ ચૂપ કેમ છે ? : કોંગી નેતા હેમાંગ વસાવડાનો આક્ષેપ
 
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.18 : મોરબીના ક્યુટોન સિરામીક ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડયો છે અને આશરે 350 કરોડથી પણ વધુ રકમનું બેનામી સાહિત્ય કબજે કર્યુ છે ત્યારે તેમાંથી 200 કરોડ રૂપિયા રાજકોટના ભાજપના એક ટોચના નેતાના હોવાનું અને તેમને છાવરવા માટે ‘ઈડી’ એ મૌન ધારણ કરી લીધું હોવાનો આક્ષેપ કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ કર્યો છે.
કોંગી નેતાએ સરકાર ઉપર પ્રહાર કરતાં જણાવ્યું છે કે, મોરબીના અગ્રણી ક્યુટોન સિરામિક ગ્રપના ઉત્પાદન અને વેચાણ મથકો ઉપર ઈન્કમટેક્સ વિભાગે મેગા સર્ચ ઓપરેશન શરુ કર્યુ છે અને આશરે 350 કરોડના બિનહિસાબી વ્યવહારો તંત્રને હાથ લાગ્યાં છે. જેમાં 200 કરોડના વ્યવહારો રાજકોટના ભાજપના એક ટોચના  નેતાના છે. અગાઉ આ મુદ્દે જાહેરાત કરી હતી, તે નેતાના કર્મચારીની પુછપરછ પણ કરી હતી પરંતુ બાદમાં અચાનક જ ‘ઈડી’એ મૌન સેવી લીધું છે.
વસાવડાએ ઉમેર્યુ હતું કે, બંગાળ કે મહારાષ્ટ્રમાં 50 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાય અને તેમાંય જો વિરોધ પક્ષનું નામ નિકળ્યું હોય તો ‘ઈડી’ તૂટી પડે છે જ્યારે 350 કરોડના બિનહિસાબી વ્યવહારોમાં ભાજપના અગ્રણીઓના નામ સામે આવી રહ્યાં છે તેમાં તપાસ અટકી જાય છે.ક્યાંકને ક્યાંક ભાજપના નેતાઓને છાવરવાનો આ પ્રયાસ છે. આ અંગે તટસ્થતાપૂર્વક તપાસ થવી જોઈએ.

© 2022 Saurashtra Trust