‘આપ’ની બીજી યાદીમાં સૌરાષ્ટ્ર પર વિશેષ ફોકસ : 9માંથી 6 ઉમેદવાર સૌરાષ્ટ્રના

‘આપ’ની બીજી યાદીમાં સૌરાષ્ટ્ર પર વિશેષ ફોકસ : 9માંથી 6 ઉમેદવાર સૌરાષ્ટ્રના
-ચોટીલાથી રાજુ કરપડા, માંગરોળથી પીયૂષ પરમાર, જામનગરથી કરસનભાઈ કરમુર, ગોંડલથી નિમિષા ખૂંટ, વાંકાનેરથી વિક્રમ સોરાણી અને ધોરાજીથી વિપુલ સખિયાને ટિકિટની જાહેરાત
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા.18: ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા  જ ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. તેવામાં ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડવા જઈ રહેલી આમ આદમી પાર્ટીએ એડીચોડીનું જોર લગાવીને લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે આજે આપ દ્વારા ઉમેદવારની બીજી યાદી જાહેર કરીને 9 ઉમેદવારનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ કુલ 19 ઉમેદવારનાં નામ જાહેર કર્યાં છે. આજે જાહેર કરાયેલી બીજી યાદીમાં સૌરાષ્ટ્ર ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 9માંથી 6 ઉમેદવાર સૌરાષ્ટ્રના છે.
ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા આજે પત્રકાર પરિષદ યોજીને ઉમેદવારોની બીજી યાદી જાહેર કરતા જણાવ્યું હતું કે, રાજુ કરપડા ચોટીલાથી, પીયૂષ પરમાર જૂનાગઢના માંગરોળથી, કરસનભાઈ કરમૂર જામનગરથી, નિમિષા ખૂંટ ગોંડલથી, પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર સુરતની ચોર્યાસી બેઠકથી, વિક્રમ સૌરાણી વાંકાનેરથી, ભરતભાઈ વાખલા દેવગઢબારિયાથી, જેજે મેવાડા અસારવાથી અને વિપુલભાઈ સખિયા ધોરાજીથી આપની બેઠક પરથી આગમી વિધાનસભાની ચૂંટણી લડશે.
ઈટાલિયાએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી તેને જબરદસ્ત આવકાર મળ્યો છે. પ્રથમ યાદીમાં સૌરાષ્ટ્રની 4, મધ્ય ગુજરાતની 2, ઉત્તર ગુજરાતની 3 અને દક્ષિણ ગુજરાતમાં 1 બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. લોકો ગુજરાતમાં ઈમાનદાર સરકાર બનાવવા માગે છે. આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભ્રષ્ટ ભાજપ અને પ્રામાણિક પાર્ટી આમ આદમી વચ્ચે થવાની છે. પહેલી યાદીમાં આમ આદમી પાર્ટીએ શક્તિશાળી માણસોને તક આપી છે.
તેમણે એમ પણ કહ્યું કે, સૌના સાથથી સૌએ સાથે નિર્ણય કરીને અમે યાદી બનાવી છે. પાર્ટી દ્વારા જે ઉમેદવારો જાહેર કરાયા છે. તેમાં તમામ સમાજ, ગ્રામીણ અને શહેરમાંથી સમાવેશ થાય તે ધ્યાન રખાયું છે. આપ પાર્ટી યુનિક અને ટ્રેન્ડ સેટ કરનારી પાર્ટી છે. આપે ચૂંટણીના લાંબા સમય પહેલા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરીને રાજનીતિમાં નવી પ્રથા અમલમાં મૂકી છે. વહેલા લિસ્ટ જાહેર કરવાનો પાર્ટીનો હેતુ એ છે કે, જે ઉમેદવારને ટિકિટ મળી છે તેને મતદારો સાથે સંપર્ક સાધવાનો યોગ્ય પ્રયાસ મળે જે ઉમેદવારને ટિકિટ મળે તે પોતાના મત વિસ્તારના વધુમાં વધુ લોકો સુધી પહોંચે, પોતાનો પરિચય આપે, પોતાની વાત પહોંચાડે, મતદારો પણ ઉમેદવારોને જાણે અને તેમની સાથે સંપર્ક બનાવે, બન્નેને પૂરતો સમય મળે તે આશયથી અમે વહેલા ઉમેદવારોની જાહેરાત કરી છે. ચૂંટણી જાહેરનામું બહાર પડે એ પહેલા જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે. અમે તૈયાર છીએ. કોંગ્રેસ તો હજી ચિંતનમાં છે અને છેલ્લા દિવસ સુધી આ જ કરશે પછી ભાજપ જોડે બેસી જશે.
નોંધનીય છે કે, ગુજરાત મિશન 2022ની તૈયારીના ભાગરૂપે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતો પણ વધી છે. જો કે ગુજરાતમાં હજુ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત નથી થઈ એ પહેલા આમ આદમી પાર્ટીએ તૈયારીઓ આરંભી દીધી છે અને ભાજપ-કોંગ્રેસની પહેલા ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે. આ સાથે અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં આવી એક બાદ એક ગેરંટી સ્કિમ થકી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટી દ્વારા આગામી ચૂંટણી માટે જામનગર -78માં કરશન કરમૂર
જામનગર-78 બેઠક માટે કરશન કરમૂરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કરશન કરમૂર જામનગર મનપાના કોર્પોરેટર તરીકે લાંબા સમય સુધી કાર્યરત રહ્યા હતા અને ભાજપ દ્વારા તેમને ડેપ્યુટી મેયર પદે પણ નિમણૂક કરાઈ હતી. દરમિયાન સોશિયલ મીડિયામાં પોતાના વ્યક્તિગત રીતે ભાજપમાં હોવા છતાં ભાજપની ટીકા કરી હતી. જેના પગલે ભાજપે તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા.
દરમિયાન ભાજપે પુન:તેઓનો પક્ષમાં સમાવેશ કર્યો હતો. ત્યારબાદ વધુ એક વખત તેઓએ ભાજપ વિરુદ્ધ બ્યુગલ વગાડતા ભાજપે તેમને ફરી એક વખત સસ્પેન્ડ કર્યા હતા. જેના પગલે કરશન કરમૂર આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આપ દ્વારા તેમને શહેર પ્રમુખનો હોદ્દો આપવામાં આવ્યો હતો.
 

© 2022 Saurashtra Trust