ગુજરાતમાં અદાણી CNG ગેસના ભાવમાં 3.48 રૂપિયાનો ઘટાડો

ગુજરાતમાં અદાણી CNG ગેસના ભાવમાં 3.48 રૂપિયાનો ઘટાડો
અમદાવાદ, તા. 18: ગુજરાતમાં સતત વધી રહેલા સીએનજી ગેસના ભાવ વચ્ચે આજે પ્રથમ વખત ભાવ ઘટાડો સામે આવ્યો છે. આજે અદાણી સીએનજીના ભાવમાં 3.48 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેની સાથે નવો ભાવ 83.90 રૂપિયા પ્રતિકિલો થયો છે. આ ભાવ ઘટાડો આજથી જ અમલી બનશે. ભાવ ઘટાડાને કારણે મોંઘવારીનો માર સહન કરતી જનતાએ આંશિક રાહત પહોંચી છે. નોંધનીય છે કે, અદાણી સીએનજી ગેસનો જૂનો ભાવ 87.38 હતો. 2 ઓગસ્ટે 1.99 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે 4 ઓગસ્ટે ફરી 1.49 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 4 ઓગસ્ટે અદાણી સીએનજી ગેસના ભાવમાં વધારો થતાં સીએનજીનો ભાવ પ્રતિ કિલોએ 87.38 પર પહોંચી ચૂક્યો હતો.
ગુજરાતમાં સીએનજીનો ભાવ એક વર્ષ અગાઉ 52 રૂપિયાની આસપાસમાં હતો. જો કે એક વર્ષમાં જ 35 રૂપિયા જેટલો ભાવ સીએનજી ગેસમાં વધી ગયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનાં કારણે બે પૈસા બચાવવા માટે જે લોકોએ વાહનોમાં સીએનજી કિટ નખાવી હતી અથવા સીએનજી વાહન વસાવ્યું હતું તેમના રાતાપાણી રોવાનો વારો આવ્યો છે. આગામી સમયમાં ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. અગાઉ 4 રાજ્યમાં ચૂંટણી સમયે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે હવે જોવાનું રહ્યું કે, ગુજરાતમાં ચૂંટણીના સમય સુધીમાં સીએનજીના ભાવમાં જનતાને કેટલી રાહત મળે છે.

© 2022 Saurashtra Trust