હથિયારો ભરેલી બોટ મળતાં હડકંપ

હથિયારો ભરેલી બોટ મળતાં હડકંપ
મહારાષ્ટ્રના રાયગઢમાં  બોટમાંથી AK47, કારતૂસ અને વિસ્ફોટક બરામદ :  ફડણવીસે કહ્યું, બોટ ઓસ્ટ્રેલિયન મહિલાની છે અને એન્જીન ખરાબ થયા બાદ વહીને ભારતના કિનારે પહોંચી
 
રાયગઢ,  તા. 18 : મહારાષ્ટ્રના હરિહરેશ્વર તટ (રાયગઢ જીલ્લો) ઉપર દરિયામાં સંદિગ્ધ બોટ મળી આવતા હડકંપ મચી ગયો છે. બોટ ઉપરથી એકે47, રાઈફલ અને અમુક કારતુસ મળી આવ્યા છે. આ ઉપરાંત વિસ્ફોટક પણ બરામદ કરવામાં આવ્યા છે. આ બોટ મળી આવ્યા બાદ પુરા રાયગઢ જીલ્લામાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. સ્થળ ઉપર પહોંચેલી પોલીસ ટીમે હથિયારોને જપ્ત કરીને તપાસ શરુ કરી દીધી છે. જે બોટ મળી આવી છે તે ઓસ્ટ્રેલિયન હોવાની પણ જાણકારી સામે આવી છે. આ મામલે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરનસ કરીને કહ્યું હતું કે, આ બોટ એક ઓસ્ટ્રેલિયન મહિલાની છે અને ખરાબ થઈને વહીને ભારતના કિનારે આવી છે. આ મામલે આતંકી એન્ગલની કોઈ પુષ્ટી થઈ નથી. એટીએસ અને કોસ્ટગાર્ડ વધુ તપાસ કરી રહ્યા છે.
પોલીસે બોટને પોતાના કબજામાં લઈ લીધી છે. જે દરિયા કિનારેથી મળી આવી હતી. પોલીસ દ્વારા સ્થાનિક લોકોની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. આ જગ્યા મુંબઈથી 200 કિમી અને પુણેથી 170 કિમી દૂર છે. રાયગઢના એસપી અશોક ધુધેએ હરિહરેશ્વર તટેથી મળેલી બોટમાં એકે47 હોવાની પુષ્ટી કરી છે. જો કે હજી સુધી વધુ કોઈ જાણકારી જારી કરવામાં આવી હતી. સુત્રોના કહેવા પ્રમાણે બોટ ઓસ્ટ્રેલિયન છે અને તેના ઉપર અમુક લોકો સવાર હતા. આ લોકોએ કોસ્ટ ગાર્ડને હરિહરેશ્વર તટ ઉપર આવવાની જાણકારી પણ આપી નથી. સમુદ્રી વિસ્તારમાં આતંકવાદીઓની ઘુસણખોરીની હંમેશા સંભાવના હે છે. આ અગાઉ 26 નવેમ્બર 2008મા મુંબઈમાં આતંકી હુમલો થયો હતો. તે સમયે તૈયબાના 10 આતંકવાદીઓ સમુદ્રના રસ્તે પાકિસ્તાનમાંથી ભારત આવ્યા હતા. સમુદ્ર તટ ઉપર બોટ છોડયા બાદ આતંકવાદી અલગ અલગ વહેંચાય ગયા હતા અને ગોળીબાર શરૂ કરી દીધો હતો. આતંકવાદીઓએ બે હોટલ, એક હોસ્પિટલ અને રેલવે સ્ટેશનને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં 160 લોકોના મૃત્યુ થયા હતા.
દેવેન્દ્ર ફડણવીસે આ મામલે કહ્યું હતું કે, બોટનું નામ લેડી હાન છે. તેની માલિક ઓસ્ટ્રેલિયન મહિલા છે. તેના પતિ બોટના કેપ્ટન છે. આ બોટ ઓમાનથી યુરોપ તરફ જઈ રહી હતી. 26 જુન 2022ના બોટનું એન્જીન ખરાબ થયું હતું અને બોટ ઉપરના લોકોએ બચાવવા માટે એલર્ટ જારી કર્યું હતું. જેઓને કોરિયાના નેવી શિપે બચાવી લીધા હતા અને પછી ઓમાન છોડી દીધા હતા. જો કે બોટને ટો કરવામાં આવી નહોતી અને વહીને હરિહરેશ્વર કિનારે આવી પહોંચી હતી.

© 2022 Saurashtra Trust