વાપસી મેચમાં નડાલની હાર: રાડુકાનુની વિજયકૂચ

વાપસી મેચમાં નડાલની હાર: રાડુકાનુની વિજયકૂચ
મેસન, તા.18: રાફેલ નડાલની 6 સપ્તાહ બાદ કોર્ટમાં વાપસી શાનદાર રહી નથી. તેને વેસ્ટર્ન એન્ડ સર્ધન ટેનિસ ઓપન ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં જ બોર્ના કોરિચ વિરૂધ્ધ ત્રણ સેટના મુકાબલા પછી 7-6, 4-6 અને 6-3થી હાર સહન કરવી પડી છે. 22 વખત રેકોર્ડ ગ્રાંડસ્લેમ ટાઇટલ જીતનાર નડાલ તા. 6 જુલાઇ બાદ પહેલીવાર કોર્ટમાં ઉતર્યોં હતો. યૂએસ ઓપનની તૈયારી માટે આ ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. નડાલ છેલ્લે વિમ્બલ્ડનના સેમિ ફાઇનલમાં પહોંચીને ઇજાને લીધે હટી ગયો હતો. હવે તે યૂએસ ઓપનમાં ઉતરશે. ગઇકાલના અન્ય એક ટક્કરમાં વિમ્બલ્ડનના ફાઇનલમાં પહોંચનાર નિક કિર્ગિયોસને બિન ક્રમાંકિત ખેલાડી ટેલર ફ્રિટજે 6-3 અને 6-2થી હાર આપીને અપસેટ કર્યોં હતો.
જ્યારે મહિલા વિભાગમાં યૂએસ ઓપન ચેમ્પિયન બ્રિટનની યુવા ખેલાડી એમ્મા રાડુકાનુ તેની વિજયકૂચ ચાલુ રાખીને ત્રીજા રાઉન્ડમાં પહોંચી છે. પહેલા રાઉન્ડમાં સેરેના વિલિયમ્સને પરાજીત કર્યાં બાદ રાડુકાનુએ બીજા રાઉન્ડમાં અનુભવી વિકટોરિયા અજારેંકાને 6-0 અને 6-2થી સજ્જડ હાર આપી હતી. આ દરમિયાન છઠ્ઠા ક્રમની સિમોના હાલેપ ઇજાને લીધે વેસ્ટર્ન એન્ડ સર્ધન ટૂર્નામેન્ટમાંથી ખસી ગઇ છે. રોમાનિયાની આ મહિલા ખેલાડી ગત સપ્તાહે ટોરન્ટો ઓપનમાં ચેમ્પિયન બની હતી.

© 2022 Saurashtra Trust