ઝિમ્બાબ્વે સામે ટીમ ઇન્ડિયાનો 10 વિકેટે ઝમકદાર વિજય

ઝિમ્બાબ્વે સામે ટીમ ઇન્ડિયાનો 10 વિકેટે ઝમકદાર વિજય
પહેલા બોલરો ત્રાટક્યા, બાદમાં ધવન-ગિલની જોડીની રમઝટ : 190 રનનો વિજય લક્ષ્યાંક 30.5 ઓવરમાં વિના વિકેટે હાંસલ કરી લીધો
ભારત 1-0થી આગળ કાલે બીજો વન ડે મેચ
હરારે તા.18: પહેલા કાતિલ બોલિંગ અને બાદમાં શાનદાર બેટિંગથી ઝિમ્બાબ્વે સામેના પ્રથમ વન ડે મેચમાં ભારતીય ટીમનો 10 વિકેટે ઝમકદાર વિજય થયો હતો. 190 રનનો વિજય લક્ષ્યાંક ભારતે એક પણ વિકેટ ગુમાવ્યા વિના ફકત 30.પ ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમે 11પ દડા બાકી રાખીને વિના વિકેટે 192 રન કરીને 10 વિકેટે જીત મેળવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઇ મેળવી લીધી હતી. અનુભવી શિખર ધવન 113 દડામાં 9 ચોકકાથી 81 રને અને યુવા શુભમન ગિલ 72 દડામાં 10 ચોકકા-1 છકકાથી 82 રને અણનમ રહ્યા હતા. ભારતીય ઓપનિંગ જોડીને તોડવા ઝિમ્બાબ્વેના કપ્તાન ચકાબવાએ 8 બોલર અજમાવ્યા હતા, પણ સફળતા હાથ લાગી ન હતી. આ પહેલા ભારત તરફથી દીપક ચહર, પ્રસિધ્ધ કૃષ્ણા અને અક્ષર પટેલની ત્રિપુટીએ 3-3 વિકેટ લીધી હતી. આથી ઝિમ્બાબ્વેની ટીમ 189 રનમાં ડૂલ થઇ ગઇ હતી.શ્રેણીનો બીજો વન ડે શનિવારે રમાશે. જે ભારતીય સમય અનુસાર બપોરે 12-4પ વાગ્યાથી શરૂ થશે.
ઇજા બાદ વાપસી કરનાર દીપક ચહર, પ્રસિદ્ધ કૃષ્ણા અને અક્ષર પટેલની શાનદાર બોલિંગ સામે પહેલા વન ડેમાં પ્રવાસી ભારતીય ટીમ વિરુદ્ધ હોમ ટીમ ઝિમ્બાબ્વેનો 40.3 ઓવરમાં 189 રનમાં સંકેલો થઈ ગયો હતો. દીપક-પ્રસિદ્ધ અને અક્ષરની ત્રિપુટીએ 3-3 વિકેટ ઝડપીને ઝિમ્બાબ્વેની બેટિંગ હરોળની કમર તોડી નાંખી હતી.
ભારતીય કપ્તાન કેએલ રાહુલે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. તેનો આ નિર્ણય બોલરોએ સફળ સાબિત કર્યો હતો. ઝિમ્બાબ્વેના દાવના પ્રારંભ સાથે જ ધબડકો થયો હતો અને 31 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. વાપસી કરનાર દીપક ચહરે ખતરનાક અંદાજમાં બોલિંગ કરી હતી. શરૂઆતની ચારમાંથી ત્રણ વિકેટ ચહરે લીધી હતી. જયારે ઝિમ્બાબ્વેનું મધ્યક્રમ અને પૂંછડિયા ખેલાડીઓ પ્રસિધ્ધ અને અક્ષર સામે નતમસ્તક થયા હતા.
ઝિમ્બાબ્વે તરફથી નવમી વિકેટમાં બ્રેડ ઇવન્સ અને આર. અનગરાવા વચ્ચે 6પ દડામાં 70 રનની ભાગીદારી થઈ હતી. આથી હોમ ટીમનો સંપૂર્ણ રકાસ અટક્યો હતો. ઇવન્સે 29 દડામાં અણનમ 33 અને અનગરાવાએ 42 દડામાં 34 રન બનાવ્યા હતા. આ સિવાય કપ્તાન ચકાબવાએ 3પ રનનું યોગદાન આપ્યું હતું. ટીમનો સ્ટાર બેટર સિકંદર રઝા 12 રને આઉટ થયો હતો. ઝિમ્બાબ્વેના 189 રનનો ટોટલમાં મિ. એક્સ્ટ્રાનો ફાળો 2પ રનનો હતો.

© 2022 Saurashtra Trust