રાજકોટમાં ક્રિકેટના સટ્ટાના પૈસા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ: પાંચને ઇજા

રાજકોટ, તા. 18: અહીંના મવડી વિસ્તારમાં આવેલી શ્રી હરિ સોસાયટીમાં ક્રિકેટના સટ્ટાના પૈસા બાબતે બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં પાંચ વ્યક્તિને ઇજા થઈ હતી.
આ બનાવમાં શ્રી હરિ સોસાયટીમાં રહેતા 42 વર્ષના દિનેશ ઉર્ફે મૂછડી રતિલાલ ચાવડા, તેના 27 વર્ષના મિત્ર ભરત વલ્લભભાઈ કુંભારવાડિયા અને 27 વર્ષના હાર્દિક હસમુખભાઈ પઢિયારને ઇજા થઈ હતી. સામા પક્ષે સુખદેવસિંહ ઝાલા અને તેના ભાઈ જયપાલસિંહને ઇજા થઇ હતી.
આ અંગે દિનેશ ઉર્ફે મૂછડીએ એવું જણાવ્યું હતું કે, તેણે રૂ. બેલાખમાં સુખદેવસિંહ પાસેથી ક્રિકેટનું આઇડી લીધું હતું. પાંચ દિવસમાં ક્રિકેટના સટ્ટામાં તે રૂ. બે લાખ જીત્યો હતો. આ પૈસા અંગે સુખદેવસિંહને ફોન કર્યો હતો. પણ તેણે પૈસાની વાત ટાળી દીધી હતી અને ગાળો બોલવા લાગ્યો હતો. આજે સવારે તે તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે સુખદેવસિંહ ઝાલા સહિત દસેક શખસ આવ્યા હતાં અને હથિયારોથી હુમલો કરીને માથા, ગળાના ભાગે ગંભીર ઇજા કરી હતી. આ ધમાલમાં તેનો ત્રણ તોલા વજનનો સોનાનો ચેઇન પડી ગયો હતો. સામાપક્ષે સુખદેવસિંહ ઝાલાએ  તેના તથા તેના ભાઈ જયપાલસિંહ પર નામચીન દિનેશ ઉર્ફે મૂછડી ચાવડા, હાર્દિક પઢિયાર, ભરત કુંભારવાડિયા સહિત છ શખસ હથિયારથી હુમલો કરીને ઇજા કર્યાનું જણાવ્યું હતું. હિન્દુ ધર્મ સેના સાથે જોડાયેલા સુખદેવસિંહે વધુમાં એવું કહ્યું હતું કે, મેં દિનેશને પૈસા ચૂકવવા માટે બે દિવસ પછીનું કહ્યું હતું. એક દિવસનું મોડું થતાં હુમલો કરાયો હતો. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.

© 2022 Saurashtra Trust