સુરેન્દ્રનગરમાં દિનદહાડે મહિલાની હત્યા

મકાન માલિક દંપતી પરના હુમલામાં ઘવાયેલી પત્નીનું ઘટનાસ્થળે જ મૃત્યુ: પતિ સારવાર હેઠળ : મકાન ખાલી કરવાની માથાકૂટમાં ભાડુઆતે ખેલ્યો ખૂની ખેલ 
 (ફૂલછાબ ન્યૂઝ)
સુરેન્દ્રનગર, તા.18: સુરેન્દ્રનગરના જોરાવરનગર રહેણાક વિસ્તારમાં દિનદહાડે દંપતી પર જીવલેણ હુમલાના બનાવમાં પત્નીનું ઘટના સ્થળે મૃત્યુ  નીપજ્યું હતું જ્યારે પતિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મકાન ખાલી કરવા મુદ્દે ભાડુઆતે ખૂની ખેલ ખેલ્યો હોવાનું બહાર આવ્યું છે. 
સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા અને ઘરે ઈસ્ત્રી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હર્ષિલભાઈ કીર્તિભાઈ પરમાર અને તેમની પત્ની જ્યોતિબેન પરમાર રાબેતા મુજબ બપોરના સમયે ઈસ્ત્રી કરી રહ્યા હતા.
ત્યારે ઘરમાં ભાડુઆત તરીકે રહેતા અનિલ વાણંદ નામનો યુવક હાથમાં તિક્ષ્ણ હથિયાર વડે આવી પહોંચ્યો હતો અને મકાન ખાલી કરાવવા બાબતે બોલાચાલી કરી હતી. જેમાં મામલો ઉગ્ર બનતા અનિલે છરી વડે દંપતી પર હુમલો કરતા પતિ અને પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્ની જ્યોતિબેન(ઉ.26)નું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પતિ અનિલને ગંભીર ઈજાઓ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં હતો.   આ બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિત જોરાવરનગર  પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યારે શીતળા સાતમના તહેવાર પર હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. હાલ પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી નાશી છૂટેલ આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતાં. 
પ્રાથમિક તપાસમાં આરોપી ભાડુઆત તરીકે રહેતો હતો અને અવારનવાર મકાન માલિક દંપતી મકાન ખાલી કરાવવાનું કહેતા હોય જે અંગેનું મનદુ:ખ રાખી હત્યા નીપજાવી હોવાનું બહાર આવ્યું હતું.
 

© 2022 Saurashtra Trust