સુપ્રીમનો ખોટા કેસમાં પીડિતને વળતર માટે નિર્દેશનો આદેશ આપવા ઈનકાર

સુપ્રીમનો ખોટા કેસમાં પીડિતને વળતર માટે નિર્દેશનો આદેશ આપવા ઈનકાર
- સુપ્રીમે કહ્યું, આ મામલો કાયદો બનાવવાની પ્રકૃતિનો છે, હસ્તક્ષેપનું કોઈ કારણ જણાતું નથી
 
નવી દિલ્હી, તા. 18 : ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવેલા લોકોને વળતર માટે દિશાનિર્દેશો તૈયાર કરવાનો આદેશ આપવા સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. કોર્ટે ભાજપ નેતા કપિલ મિશ્રા અને અશ્વિની ઉપાધ્યાયની અરજી ઉપર સુનાવણી બંધ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો આવો આદેશ આપવામાં આવશે તો તેનાથી જટિલતા પેદા થશે.અદાલત આવા મામલા માટે પોતાની પ્રતિક્રિયાનો ઉપયોગ કરી શકે નહી. આ મામલો કાયદો બનાવવાની પ્રકૃતિનો છે. જેનાથી સંબંધિત એજન્સીઓ ઉપર કાર્યવાહી કરવા માટે છોડવામાં આવે છે અને તેમાં હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ જોવા મળી રહ્યું નથી.
નોટિસના મુદ્દે કેન્દ્ર તરફથી જવાબી સોગંદનામામાં કહેવામાં આવ્યું હતું કે કાનુન આયોગની 277મી રિપોર્ટની કોપી જારી કરવામાં આવી હતી અને અમુક રાજ્યોએ હજી સુધી પોતાની પ્રતિક્રિયા દાખલ કરાવી નથી. ભાજપ નેતા કપિલ મિશ્રા અને અશ્વિની કુમાર ઉપાધ્યાય થરફગી દાખલ અરજી ઉપર સુપ્રીમ કોર્ટના ન્યાયધિશ યુયુ લલિતની ખંડપીઠે સુનાવણી કરી હતી. ગત સુનાવણીમાં અરજકર્તાના વકીલ વિજય હંસરિયાએ કહ્યું હતું કે, વર્તમાન તંત્ર ખોટી રીતે અભિયોજન પક્ષથી નિપટવા માટે પર્યાપ્ત નથી.
અરજીમાં સરકારને એવો નિર્દેશ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો કે અપરાધિક મામલામાં ખોટી ફરિયાદ દાખલ કરાવનારા સામે આકરી કાર્યવાહી કરવામાં આવે અને આવા ખોટા આરોપ મુદ્દે પીડિતને વળતર સુનિશ્ચિત કરવા દિશાનિર્દેશ બનાવવા કહેવામાં આવે.  સુપ્રીમ કોર્ટમાં આ અરજીમાં વિષ્ણુ તિવારીના કેસનો હવાલો આપવામાં આવ્યો હતો. જેને અલ્હાબાદ હાઈકોર્ટે મુક્ત કરતા કહ્યું હતું કે, અંગત અદાવતના કારણે બળાત્કાર અને એસસી એસટી કેસમાં ફસાવવામાં આવ્યા હતા. તેઓ 20 વર્ષ જેલમાં રહ્યા હતા.

© 2022 Saurashtra Trust