ભારતમાં કોરોનાથી વધુ 72 મૃત્યુ, સાજા થતાં દર્દીમાં વૃધ્ધિ

ભારતમાં કોરોનાથી વધુ 72 મૃત્યુ, સાજા થતાં દર્દીમાં વૃધ્ધિ
નવા 12,608 સામે 16,251 દર્દી સાજા, સારવાર લેતા દર્દી ઘટીને એક લાખ
નવી દિલ્હી, તા. 18 :  ભારતમાં કોરોનાના બેહદ ચેપી ચીની વાયરસના ફેલાવાની ગતિ ધીમી પડવા માંડી છે. દરરોજ નવા કરતાં સાજા દર્દી વધવા માંડયા છે.
દેશમાં ગુરુવારે નવા 12,608 સામે વધુ 16,251 દર્દી સાજા થયા હતા. અલબત્ત, ગઈકાલ બુધવારની તુલનાએ આજે નવા દર્દી થોડાક વધ્યા છે.
દેશમાં કુલ નોંધાયેલા 4,42,98,864 સામે કુલ્લ 4,36,70,315 દર્દી સાજા પણ થઈ ચૂક્યા છે.
કેરળમાં જૂના 29 મોતનાં ઉમેરા સહિત આજે વધુ 72 દર્દીની જીવનરેખા કોરોનાએ ટૂંકાવતાં કુલ્લ 5,27,206 દર્દી જીવ ખોઈ ચૂક્યા છે.
આજે વધુ 647 કેસના ઘટાડા બાદ સારવાર લેતા દર્દીઓની સંખ્યા ઘટીને 1,01,343 થઈ ગઈ છે.
--------------
મંકીપોક્સની રસી 100% સુરક્ષિત નથી : WHO
લોકોને જાગૃત રહી જોખમ ઘટાડવાનો પ્રયાસ કરવા અપીલ કરી
નવી દિલ્હી, તા. 18 : મંકીપોક્સની રસી 100 ટકા સુરક્ષિત નથી અને એટલા માટે લોકોએ સંક્રમણના જોખમને ઘટાડવું જોઈએ. ડબલ્યુએચઓના ટેક્નીકલ પ્રમુખ રોઝમુંડ લેવિસે આ વાત કરી છે. દુનિયામાં મંપીપોક્સના 35000થી વધારે કેસ સામે આવી ચુક્યા છે અને આ વાયરસ 92 દેશોમાં ફેલાઈ ચુક્યો છે. વધુમાં મંકીપોક્સે 12 લોકોનો જીવ પણ લીધો છે.
એક કોન્ફરન્સમાં લેવિસે કહ્યું હતું કે, મંકીપોક્સથી બચાવને લઈને ડબલ્યુએચઓ પાસેથી 100 ટકા અસરકારક રસીની આશા કરવામાં આવી રહી નથી. લેવિસે આગળ ઉમેર્યું હતું કે, તેઓ પાસે સટીક જાણકારી નથી અને વેક્સિન કોઈ જાદુ નથી. લોકોએ જોખમના સ્તરની તપાસ કરવીસ જોઈએ અને મેડિકલ ઉપચારની જવાબદારી લોકોની જ છે. લોકોએ આ જોખમ ઘટાડવા માટે પોતાના સ્તરે પણ જાગૃતતા લાવવી જોઈએ.

© 2022 Saurashtra Trust