રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારત શાંતિદૂત ?

રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારત શાંતિદૂત ?
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ મોસ્કો પહોંચતા અટકળો
 
મોસ્કો, તા.18 :  રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને 6 મહિના થવા આવ્યા છે. આખી દુનિયા આ યુદ્ધના માઠા પરિણામ ભોગવી રહી છે અને કોઈ રીતે અંત આવી રહયો નથી તેવા સમયે ભારત શાંતિદૂત તરીકે ભૂમિકા ભજવી શકે છે.
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ મોસ્કોના પ્રવાસે છે. તેમણે રશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિકોલાઈ પેત્રુશેવ સાથે મુલાકાત કરી છે. બંન્નેની તસવીર પણ સામે આવી છે જે સામે યુક્રેન અને અમેરિકાને અકળામણ થઈ છે. એવી ચર્ચા છે કે રશિયાની મુલાકાતમાં ડોભાલ શાંતિનો સંદેશો લઈને ગયા છે. તેઓ રશિયાના સત્તાધિશોને હવે યુદ્ધ સમાપ્ત કરવા મનાવી શકે છે. ડોભાલની યાત્રા આમ તો ભારતની ડિફેન્સ સપ્લાય તથા ભારતની સુરક્ષા તૈયારીઓને અનુલક્ષીને છે પરંતુ યુદ્ધને કારણે ભારતની સપ્લાયને પણ અસર પહોંચી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર અમેરિકા, ફ્રાંસ અને જર્મની જેવા દેશો મોસ્કોને સીઝફાયર માટે રાજી કરવા ભારત પર ભરોસો કરી રહ્યા છે. પશ્ચિમી દેશો રશિયાને સમજાવવા ભારત તરફ મીટ માંડીને બેઠા છે તો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સિકીને વાટાઘાટો માટે સમજાવવા દબાણ વધારી રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધથી યુરોપીય દેશોને માઠી અસર થઈ છે જેથી યુરોપ ઈચ્છે છે કે જેલેન્સિકી અને પુતિન મંત્રણા માટે આગળ આવે. જો બંન્ને દેશ વચ્ચે સીઝ ફાયર થશે તો જેલેન્સિકી યુરોપમાં વધુ લોકપ્રિય નેતા તરીકે ઉભરશે.

© 2022 Saurashtra Trust