ચીનને ઝટકો : તાઇવાનની કંપની ફોક્સકોનને ભારત પસંદ

ચીનને ઝટકો :  તાઇવાનની કંપની ફોક્સકોનને ભારત પસંદ
ફોક્સકોન ભારતમાં પોતાના એકમોનો વિસ્તાર કરે તેવા સંકેત
નવી દિલ્હી, તા. 17 : ઝડપથી બદલી રહેલા ભૂરાજનીતિક ઘટનાક્રમો વચ્ચે ચીન અને તાઇવાનમાં તનાવ વધી રહ્યો છે. તેવામાં તાઇવાની કંપનીઓ ચીનમાં પોતાની કામગીરી ઘટાડી રહી છે અને વધારે સારા વિકલ્પની શોધ કરી રહી છે. બદલતી સ્થિતિ વચ્ચે ભારત તાઇવાની કંપનીઓની પસંદ બની રહ્યું છે. જેનો સંકેત તાઇવાનની મોટી કંપનીઓમાંથી એક ફોક્સકોને આપ્યો છે. ફોક્સકોન ભારતમાં પોતાનો કારોબાર અને રોકાણ વધારવાની તૈયારીમાં છે.
એપલ, શાઓમી સહિતની કંપનીઓ માટે સ્માર્ટફોન તૈનાત કરતી કંપની ફોક્સકોનની પહેલાથી જ ભારતમાં ત્રણ ફેક્ટરી ચાલી રહી છે. ભારતમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ફોક્સકોનના ત્રણ એકમ ચાલી રહ્યાં છે. આ ફેક્ટરીમાં એપલ, શાઓમી જેવી બ્રાન્ડ માટે સ્માર્ટફોન ઉપરાંત અન્ય કંપનીઓ માટે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટસ બનાવવામાં આવી રહ્યા છે. વધુમાં ફોક્સકોનનું ભારતીય એકમ ભારત એફઆઇએચ આઇપીઓ લાવવાની પણ તૈયારીમાં છે. ફોક્સકોન વેદાંતા સાથે મળીને ભારતમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસ માટે ડિસ્પ્લે પેનલ અને સેમિકંડક્ટર ચીપ પણ બનાવવાનું એલાન કરી ચૂકી છે.
ફોક્સકોનના ચેરમેન યંગ લિઉએ બીજા ત્રિમાસિક ગાળાનું પરિણામ આવ્યા બાદ ગયા અઠવાડિયે ઇન્વેસ્ટર્સ કોલમાં ભારતીય કારોબાર મુદ્દે ખૂલીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતમાં ઓવરઓલ ઇન્ડસ્ટ્રીયલ માહોલમાં સુધારો આવ્યો છે. આ સાથે સરકારી સ્તર ઉપર પણ ઘણા સુધારા આવ્યા છે. તેમણે રોકાણકારો સાથેની વાતચીતમાં ભારતના વધી રહેલા મહત્ત્વની વાત કરી હતી અને કહ્યું હતું કે, ભારત આગામી સમયમાં મહત્ત્વપૂર્ણ ભાગીદારી નિભાવશે તેવું લાગી રહ્યું છે.

© 2022 Saurashtra Trust