જમ્મુ-કાશ્મીર કૉંગ્રેસને આંચકો આપતા આઝાદ

જમ્મુ-કાશ્મીર કૉંગ્રેસને આંચકો આપતા આઝાદ
- પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી ગુલામ નબી આઝાદનું રાજીનામું
નવી દિલ્હી, તા 17 : જમ્મુ-કાશ્મીરમાં કૉંગ્રેસને ભારે આંચકો લાગ્યો છે. ગુલામ નબી આઝાદે પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું છે. આશ્ચર્યની વાત એ છે કે પક્ષે પ્રચાર સિમિતિના અધ્યક્ષ પદ પર નિયુક્તિ કર્યાના કલાકોમાં જ ગુલામ નબી આઝાદે રાજીનામુ આપી દીધું હતું. એટલું જ નહીં, તેમણે પક્ષના જમ્મુ-કાશ્મીર પોલિટિકલ અફેર્સ કમિટીમાંથી પણ રાજીનામુ આપી દીધું છે. ગુલામ નબી આઝાદનો વિદ્રોહ એક રીતે નક્કી જૂથવાદમાં ફસાયેલી કૉંગ્રેસ માટે આંચકા સમાન છે અને એની સીધી અસર જમ્મુ-કાશ્મીરમાં જ્યારે પણ ચૂંટણી યોજાશે ત્યારે એના પર પડી શકે છે.
સૂત્રએ આપેલા સંકેત મુજબ આઝાદે નિયુક્તિને તેમની અવમાનના તરીકે જોઈ રહ્યા છે. કારણ, તેઓ પહેલાથી જ અૉલ ઇન્ડિયા પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્ય છે. એક અનુભવી નેતા, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન પણ રહી ચુક્યા છે. કેન્દ્રિય પ્રધાન તરીકે પણ કામ કરવાની સાથે પક્ષમાં પણ અનેક મહત્ત્વના પદો સંભાળ્યા છે. તેઓ જી-23 નેતાઓમાંના એક હતા જેમણે પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીને બે વરસ અગાઉ પક્ષમાં માળખાકીય ફેરફાર માટે પત્ર લખ્યો હતો.
આઝાદે તેમના નજીકના સહયોગી ગુલામ અહમદ મીરને પક્ષના જમ્મુ-કાશ્મીર એકમના પ્રમુખ પદેથી હટાવ્યા બાદ તુરંત તેમનું રાજીનામુ આપ્યું હતું. મીરે ગયા મહિને હોદ્દો છોડયો હતો.
પક્ષે કેન્દ્ર શાસિત પ્રદેશના સંગઠનમાં પૂર્ણપણે ફેરફાર કર્યો હતો અને મીરના સ્થાને વિકાર રસુલ વાણીની નિયુક્તિ કરી હતી.

© 2022 Saurashtra Trust