કોમનવેલ્થનાં મેડલ વિજેતા ગુજરાતના ખેલાડીઓને કુલ 80 લાખનાં પુરસ્કાર

કોમનવેલ્થનાં મેડલ વિજેતા ગુજરાતના ખેલાડીઓને કુલ 80 લાખનાં પુરસ્કાર
-મુખ્યમંત્રીએ ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કર્યા
અમદાવાદ, તા.17: કોમનવેલ્થ ગેઇમ્સ-2022માં વિવિધ રમતોમાં મેડલ્સ પ્રાપ્ત કરી ભારત અને ગુજરાતનું વિશ્વમાં ગૌરવ વધારનારા ખેલાડીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કુલ 80 લાખ રૂપિયાના ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આ અવસરે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહમાં કોમનવેલ્થ ગેઇમ્સ-2022માં ટેબલ ટેનિસ રમતમાં ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ વિનર ગુજરાતના ખેલાડી હરમિત દેસાઇને રૂ.35 લાખનો ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરાયો હતો. જ્યારે પેરા ટેબલ ટેનિસમાં સિંગલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત ભાવિન પટેલને રૂ.25 લાખ, બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત દિવ્યાંગ ખેલાડી સોનલ પટેલને રૂ.10 લાખની પુરસ્કાર રાશિના ચેક અર્પણ કર્યા હતા.
તેમણે આ કોમનવેલ્થ મેઇમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી ગુજરાતની બે પ્રતિભાવંત મહિલા ક્રિકેટર યાશિકા ભાટિયા અને રાધા યાદવને પ્રત્યેકને પાંચ લાખ રૂપિયા ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કર્યા હતા.

© 2022 Saurashtra Trust