રાંધણ છઠ્ઠે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની લટાર : વડિયા 4.5, જેતપુર-જોડિયા-ગોંડલ 4 ઇંચ

રાંધણ છઠ્ઠે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની લટાર : વડિયા 4.5, જેતપુર-જોડિયા-ગોંડલ 4 ઇંચ
-           જેતપુરના પેઢલા ગામે કેન્દ્રીય વિદ્યાલયમાં જવાના કોઝવે પાણીમાં ગરકાવ થતા વિદ્યાર્થીઓ ફસાયા
-           જેતપુર-દેરડીની બેઠી
            ધાબી પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ
રાજકોટ તા.17: (ફૂલછાબ ન્યુઝ) જન્માષ્ટમીના તહેવારની શરૂઆત થઇ ગઇ છે. આજે રાંધણ છઠ્ઠના દિવસે સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. છેલ્લા પાંચેક દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે શ્રાવણી સરવડા વરસી રહ્યા હતા. ત્યારે આજે વડિયામાં ધોધમાર 4.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના કારણે નીચાણવાળા રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાયા હતા. ઉપરાંત જેતપુર, જોડિયા અને ગોંડલમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેતપુર પંથકમાં ધોધમાર વરસાદના કારણે પેઢલા ગામે કેન્દ્રીય વિદ્યાલયમાં જવાના કોઝવે પર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ ફસાયા હતા. આજે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમુક વિસ્તારમાં સતત વરસતા વરસદાના કારણે હવે ખેતીની મૌલાતને નુકશાન જવાની ભીતિ પણ સેવાઇ રહી છે. આજના વરસાદથી નદી-નાળામાં નવા નીરની આવક થઇ છે.
ગોંડલ : ગોંડલમાં ગત મોડીરાતથી વરસાદ વરસવો શરૂ થયો હતો. આજે દિવસભર વરસાદ વરસતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં. રાતાપુલ, ઉમવાડા તથા આશાપુરા અંડરબ્રીજમાં પાણી ભરાતા ટ્રાફીકને અસર પહોંચી હતી. સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલ લોકમેળામાં વરસાદને કારણે કીચકાણ થવા પામ્યું હતું. સતત વરસતા વરસાદને લઈને મેળાના વિવિધ સ્ટોલ પલળી જવા પામ્યા હતાં. ગોંડલ, સુલતાનપુર, વાસાવડ સહિત પંથકમાં બે થી ચાર ઈંચ વરસાદ વરસ્યો છે.
આમરણ : આમરણ ચોવીસી પંથકમાં ગત મોડી રાત્રીથી આજ સાંજ સુધી અવિરત વરસી રહેલા વરસાદને પગલે 5 થી 8 ઈંચ પાણી પડી ગયું છે. ભારે વરસાદને પગલે હજનાળી પાસેના વોંકળામાં બનાવાયેલ ડાયવર્ઝન ઉપરથી અગાધ પાણીનો પ્રવાહ વહેવા લાગતાં આજે પાંચમી વખત જામનગર કચ્છ વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો છે. વોંકળાના બંને કાંઠે બે કિ.મી.સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતાં.
પોરબંદર : પોરબંદર શહેર અને જિલ્લા સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે બુધવારે પણ દિવસભર મેઘાવી માહોલ યથાવત રહ્યો હતો અને જિલ્લામાં એક થી અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સવારથી સાજં સુધીમાં સૌથી વધુ કુતિયાણા તાલુકામાં 59 મી.મી.(અઢી ઈંચ) રાણાવાવમાં 34 મીમી (દોઢ ઈંચ) અને પોરબંદરમાં 27 મી.મી. (એક ઈંચથી વધુ) વરસાદ નોંધાયો છે.
જામનગર : જામનગર શહેરમાં મેઘરાજાએ હળવું વેત વરસાવવાનું અવિરત ચાલુ રાખ્યું છે. ગઈકાલથી શરૂ થયેલા વરસાદ આજે પણ અવિરત વરસ્યો હતો. જેના કારણે આજે સવારે ચોવીસ કલાક દરમિયાન તેમજ આજે સાંજના છ વાગ્યા સુધીમાં જિલ્લામાં એક ઈંચથી ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા તા.18ના સધવારના 8.30 કલાક સુધી ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં જામનગર શહેરમાં (57 મીમી) અઢી ઈંચ, જામજોધપુરમાં (39 મીમી) દોઢ ઈંચથી વધુ, જોડિયામાં (94 મીમી) ચાર ઈંચ, ધ્રોલમાં (85 મીમી) સાડા ત્રણ ઈંચ અને લાલપુરમાં (20 મીમી) એક ઈંચ જેટલો વરસાદ કંટ્રોલરૂમમાં નોંધાયો છે.
ભાવનગર : ગોહિલવાડ પંથકમાં શ્રાવણી સરવડાથી માંડી અડધાથી એક ઈંચ વરસાદ પડયો છે. જિલ્લામાં સિહોરમાં એક ઈંચ તથા ગારિયાધારમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરમાં શ્રાવણી સરવડા અને હળવા ભારે ઝાપટાં વરસી ગયા હતાં. જ્યારે જિલ્લામાં છુટો છવ્યો વરસાદ પડયો છે.
જામકંડોરણા : જામકંડોરણામાં ગઈકાલ સાંજથી જ વરસાદી માહોલ છવાયો હતો. સાંજના 8 વાગ્યાથી સતત ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આજે સવારથી પણ સતત ધીમીધારે વરસાદ ચાલુ હતો જે સાંજ સુધીમાં છેલ્લા 24 કલાકમાં કુલ 34 મીમી વરસાદ પડી ગયો હતો.
જેતપુર : જેતપુર શહેરમાં આજે સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર વરસાદ વરસવાનું શરૂ કર્યું હતું. શહેરમાં સાંજના 6 વાગ્યા સુધી 4 ઈંચ વરસાદ વરસતા કુલ 631 મીમી સિઝનનો વરસાદ નોંધાયો હતો. આજરોજ માત્ર 4 ઈંચ વરસાદમાં જ નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીનો પર્દાફાશ થયો હતો. શહેરનાં અમુક વિસ્તાર તેમજ જૂનાગઢ રોડના નવા તમામ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. જેના કારણે અમુક લોકોની રાંધણ છઠ્ઠના દિવસે ઘર વખરીમાં પાણી ઘુસી જતાં રસોઈ ગૃહિણીઓને રસોઈ બનાવી કઈ રીતે અને તહેવાર કેવી રીતે ઉજવવો તે પણ સવાલ ઉભો થયો હતો. પેઢલા ગામે ધોરાજી નેશનલ હાઈલે પર આવેલ કેન્દ્રીય વિદ્યાલયમાં આજે પેરેન્ટસ ડે હોવાથી વાલીઓ પણ સ્કૂલે આવેલ હતાં. જેના કારણે સ્કૂલમાં આજે 11.30 વાગ્યે રાજા આપી દેવાની હતી. પરંતુ સવારથી જ મુશળધાર વરસાદ ચાલુ હોવાથી કેન્દ્રીય વિદ્યાલયના પ્રવેશ દ્વાર પાસે જ આવેલ કોઝ વે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ સ્કૂલ છુટવાનો સમય થઈ ગયો હોવા છતાં સ્કૂલમાં ફસાય ગયા હતાં. જેતપુર નગરપાલિકાના ફાયર ફાઈટર અને બુલડોઝર બંને સ્થળ પર પહોંચી ગયા અને આ બંને ભારે વાહનોમાં વિદ્યાર્થીઓને બેસાડી સ્કૂલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. જેતપુરમાં ભાદર નદીના ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદને કારણે દેરડી રોડ ઉપર આવેલ ભાદર નદીનો બેઠી ધાબીનો પુલ પાણીમાં ગરકાવ થતાં દેરડી, મોણપર, ખંભાલીડા સહિતના ગામોને જોડતો એક માર્ગીય રસ્તો કાઈ ગંભીર બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવેલ હતો. જેના કારણે ઉપરોકત ગામોના કાયમી અપડાઉન કરતાં કામદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.
લીલાખા : ગોંડલ તાલુકાના લીલાખા નવાગામ સમીતાળા ભંડારીયા પંથકમાં ત્રણ ઈંચ વરસાદ થતાં અમર નદીમાં પૂર આવતાં ખેડૂતોમાં ખુશી ફેલાયેલ છે. લીલાખા ગામના પ્રગતિશીલ ખેડૂતો જણાવે છે કે સમયસર મોલાત ને જરૂરીયાત પ્રમાણે વરસાદ થતાં લીલાખા ગામે લીલા લહેર છે.
વિરપુર : વિરપુરમાં પણ વહેલી સવારથી જ ભારે વરસાદ વરસ્યો હતો. વિરપુરમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેમને કારણે રસ્તાઓ પર પાણી નદીઓની માફક વહ્યા હતાં. ખોડિયાર ધુના ડેમ પણ છલકાયો હતા. સિંચાઈ માટેના થોરાળા ડેમમાં નવા નિરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો ભારે વરસાદને પગલે ખેડૂતોના ખેતરોમાં ગોઠણ ડૂબ પાણી ભરાય જતાં ખેતરમાં વાવેલા કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકોને પણ નુકસાની જવાની ભીતિ છે જેમને લઈને કયાંક ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ સર્જાયો હતો.
ધોરાજી : ધોરાજીમાં જન્માષ્ટમી તહેવાર ઉપર જ સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી અને બપોર સુધીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો મેઘમહેર યથાવત રહેતા ખેડૂત વર્ગમાં આનંદની લાગણી ફેલાઈ ઘઈ છે. હાલમાં જન્માષ્ટમી તહેવાર હોય આવા સમયે ધોરાજીમાં ભારે વરસાદ થતાં જન્મટિમી મેળા બાબતે પણ થોડું વિઘ્ન સર્જાયું હતું. જન્માષ્ટમીના તહેવાર ઉપર જ કાદવ કિચડનું સામ્રાજ્ય સર્જાયું હતુ.
ફલ્લા : જામનગર તાલુકાના ફલ્લા ગામે ગઈરાત્રીનાં પાંચ મીમી તથા આજે સવારથી દસ વાગ્યા સુધીમાં વધુ 30 મીમી વરસાદ થયો છે. આમ દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. ફલ્લાના કંકાવટી ડેમમાં નહીવત પાણીની આવક થઈ છે.
બાબરા : બાબરા વિસ્તારમાં આજ સવારથી બપોરના બે વાગ્યા સુધી ધીમીધારનો વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી ધીમીધારે વરસેલો વરસાદ 42 મીમી નોંધાયો છે.
વડિયા : વડિયા પંથકમાં 129 મીમી વરસાદ નોંધાયો શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી થઈ ગયું છે. મેઈન બજારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં. વડિયાથી ઢુંઢીયા પીપળીયા વચ્ચેનો ચેક ડેમ ઓવરફલોં થયો છે. ઢોળવા નાકા પાસે આવેલ બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થયું હતું.
અમરેલી : અમરેલી જિલ્લામાં ફરીથી મેઘરાજા ધમાકેદાર ઈનિંગ શરૂ કરતાં લાઠી, બાબરા,ધારી, અમરેલી સહિત જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ ખાબકયો હતો અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઉભી થઈ હતી. સાંજના છ વાગ્યા સુધીમાં અમરેલી 30 મીમી, ખાંભા 3 મીમી, જાફરાબાદ 1 મીમી, ધારી 21 મીમી, બગસરા 20 મીમી, બાબરા 42 મીમી, રાજુલા 0 મીમી, લાઠી 18 મીમી, લીલીયા 7 મીમી, સાવરકુંડલા 10 મીમી વરસાદ ખાબકયો હતો. વરસાદ જો વધુ પડે તો જન્માષ્ટમીના મેળાના આયોજનને લઈને પણ ચિંતાનો માહોલ ઉભો થયો હતો.
મોરબી : મોરબી જિલ્લામાં મંગળવારે રાત્રીથી શરૂ થયેલી મેઘમહેર બુધવારે પણ જોવા મળી હતી. બુધવારે આખો દિવસ વરસાદી માહોલ વચ્ચે સમગ્ર પંથકમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. જેમાં ટંકારા અને માળીયામાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો હતો તો મોરબી અને હળવદ તાલુકામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.
ગોંડલ મામલતદાર કચેરીનો ફલડ કંટ્રોલરૂમ શોભાના ગાંઠીયા સમાન
ચોમાસુ ભરપૂર જઈ રહ્યું છે. છેલ્લા પંદર દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે મહત્વની ગણાતી ફલડની કામગીરીમાં મામલતદાર તંત્ર બોદુ પુરવાર બન્યું છે તાલુકા સેવા સદનમાં ફલડ કંટ્રોલરૂમ માત્ર શોભાના ગાંઠીયા રૂપ સાબિત બન્યો છે. વરસાદની માહિતી કંટ્રોલરૂમનો ફોન સતત રણકતો રહે છે, પણ રીસીવ થતો નથી કારણ કે કોઈ કર્મચારીઓ અહિં ફરજ બજાવતાં નથી. ખુદ મામલતદાર જેવા જવાબદાર અધિકારી પણ ફલડ કંટ્રોલરૂમની વ્યવસ્થા અંગે અજાણ હોય આશ્ચર્ય સર્જાયું છે. વરસાદી આંકડા અંગે તાલુકા પંચાયત અને મામલતદાર તંત્ર વચ્ચે ફેકાફેકી થઈ રહી છે. સીટી મામલતદાર નકુમ તથા તાલુકા મામલતદાર ચાવડાને આ અંગે જાણ કરાઈ હોવા છતાં વરસાદી માહોલમાં તંત્ર ઉંઘી રહ્યું હોય તેમ કંટ્રોલ રૂમ માત્ર કાગળ ઉપર કાર્ય કરી રહ્યાનો તાલ સર્જાઈ રહ્યો છે. આ અંગે જીલ્લા પ્રશાસનને જાણ કરાઈ છે.

© 2022 Saurashtra Trust