ભાજપ સંસદીય બોર્ડમાંથી ગડકરી, શિવરાજ બહાર

ભાજપ સંસદીય બોર્ડમાંથી ગડકરી, શિવરાજ  બહાર
નવી ચૂંટણી સમિતિ જાહેર : નડ્ડાના શિરે મુખ્ય જવાબદારી : સૂત્રધારોમાં યેદિયુરપ્પા, સોનોવાલ, સુધા યાદવની એન્ટ્રી : નોર્થ-ઈસ્ટથી સાઉથને આવરી 6 નવા ચહેરા
 
નવી દિલ્હી, તા.17 : ભાજપના નવા સંસદીય બોર્ડમાંથી કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની બાદબાકી કરવામાં આવી છે. બુધવારે ભાજપે નવું સંસદીય બોર્ડ અને કેન્દ્રિય ચૂંટણી સમિતિની જાહેરાત કરી હતી જેમાં ર0ર4ને લક્ષ્યમાં રાખી બદલાવ સાથે 6 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભાજપના પૂર્વ પ્રમુખ ગડકરીને ચૂંટણી સમિતિમાંથી પણ બહારનો રસ્તો બતાવી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે ગડકરીએ તાજેતરમાં જ એક મંચ પરથી જાહેરમાં કહ્યું હતું કે ઈચ્છા થાય છે કે રાજકારણ છોડી દઉ..અને ભાજપના સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિમાંથી તેઓને બહાર કરી દેવાયા છે ! ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા ચૂંટણી સમિતિના પ્રમુખ બન્યા છે. ભાજપના સૌથી તાકાતવર ગણાતાં સંસદીય બોર્ડમાં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની એન્ટ્રી થઈ છે. ઉપરાંત સર્વાનંદ સોનોવાલ, કે લક્ષ્મણ, સુધા યાદવ, ઈકબાલ સિંહ લાલપુરા, સત્યનારાયણ જટિયા, બીએલ સંતોષનો સમાવેશ કરાયો છે. ચૂંટણી સમિતિમાંથી ગડકરી, ચૌહાણ ઉપરાંત શાહનવાઝ હુસૈનને પણ બહાર કરાયા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો ચૂંટણી સમિતિમાં સમાવેશ કરાયો છે. ઉપરાંત રાજસ્થાનના નેતા ઓમ માથુર અને ભૂપેન્દ્ર યાદવને સમાવાયા છે.
સંસદીય બોર્ડ કે ચૂંટણી સમિતિમાં એક પણ મુખ્યમંત્રીને જગ્યા આપવામાં આવી નથી. નોર્થ ઈસ્ટથી પહેલીવાર પ્રતિનિધિત્વ આપતાં સર્બાનંદ સોનોવાલને સ્થાન મળ્યું છે. હરિયાણાથી સાંસદ સુધા યાદવ દિવંગત સુષ્મા સ્વરાજનું સ્થાન ભરશે તેમ માનવામાં આવે છે. ભાજપે નોર્થ ઈસ્ટથી માંડીને સાઉથને આવરી લઈ નવા સભ્યોને મહત્ત્વ આપ્યું છે.

© 2022 Saurashtra Trust