ચૂંટણી વચનને અભયવચન !

ચૂંટણી વચનને અભયવચન !
પક્ષોને વચનો આપતા રોકી ન શકાય :
‘રેવડી સંસ્કૃતિ’ પર સૂચનો માગતી સુપ્રીમ કોર્ટે
કહ્યું, ફ્રી બીની પરિભાષા અમે નક્કી કરીશું
 
નવી દિલ્હી, તા. 17 : દેશની સર્વોચ્ચ અદાલતે બુધવારે રાજકીય પક્ષો દ્વારા મફતની સુવિધાઓનાં વચનો (રેવડી સંસ્કૃતિ) પર મહત્ત્વની ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, જનતાને વચનો આપતા પક્ષોને રોકી ન શકાય.
સવાલ એ વાતનો છે કે, સરકારી ધનનો ઉપયોગ કઇ રીતે કરાય છે તેવી ટિપ્પણી સાથે તમામ પક્ષોને આ મામલામાં સમિતિ રચવા પર શનિવાર સુધી સૂચનો આપવા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું અને સુનાવણી સોમવાર સુધી ટાળી હતી.
મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમન્નાએ જણાવ્યું હતું કે, સૌને શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધાઓ આપવી એ જાહેર ધનનો દુરુપયોગ નથી.
મફત યોજનાઓનું શ્રેષ્ઠ ઉદાહરણ મનરેગા છે. આ યોજનાથી લાખો લોકોને રોજગાર મળી રહ્યો છે. મફતની યોજનાઓના વચનો શું છે તે પરિભાષિત કરવું પડશે.
મુખ્ય ન્યાયમૂર્તિ રમન્નાના વડપણવાળી ખંડપીઠે શનિવાર સુધી તમામ પક્ષોના સૂચનો માગતાં કહ્યું હતું કે, ફેંસલો અમે કરીશું.
વકીલ અશ્વની ઉપાધ્યાયે કરેલી જનહિતની અરજીની સુનાવણી સુપ્રીમે કરી હતી. અરજીમાં ચૂંટણી વખતે મફતની ચીજોનાં વચનો આપવા સામે વિરોધ કરાયો હતો.
શું મફત શિક્ષણ, વીજળી, પાણી એ ચૂંટણીલક્ષી વચનો છે ? તેવો સવાલ સુપ્રીમે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચે ચોક્કસ પરિભાષા નક્કી કરવા માંગ કરી હતી.

© 2022 Saurashtra Trust