મેઘધારથી ગિરનાર જળબંબાકાર

મેઘધારથી ગિરનાર જળબંબાકાર
-ગિરનાર પર 9, જૂનાગઢ-માણાવદરમાં 5 ઇંચ, વંથલીમાં 4.5, વિસાવદર-ભેસાણમાં 3, કેશોદ-મેંદરડામાં 2.5, માળિયા હાટીનામાં 1.5 અને માંગરોળમાં 1 ઇંચ વરસાદ
 
ઓઝત, કાળવા, સોનરખ અને મેઘલ નદીમાં ઘોડાપૂર
જૂનાગઢ, તા.17: શ્રાવણ મહિનાની શરૂઆતથી જ સૌરાષ્ટ્રમાં સરવડા વહી રહ્યા છે. ત્યારે આજે સોરઠ ઉપર મેઘપ્રકોપ સર્જાયો હોય તેમ ગિરનાર પર્વતમાળામાં આભ ફાટયું હોય તેમ સાંબેલાધારે 9 ઇંચ વરસાદ વરસતા ઝરણાઓ નદીઓની માફક વહેવા લાગ્યા હતા. જૂનાગઢમાં અનરાધાર 5 ઇંચ વરસાદ વરસતા ઠેર-ઠેર જળબંબાકાર સર્જાયો છે. અનેક સોસાયટીમાં પાણી ફરી વળતા, પાણીના નિકાલ માટે દીવાલો તોડવી પડી હતી. તેમજ પાણીમાં ફસાયેલાઓને બહાર કાઢવા રેસ્કયુ કરાયું હતું. ધોધમાર વરસાદના કારણે સોરઠ પંથકની કાળવા, ઓઝત, સોનરખ અને મેગળ સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું.
ગિરનાર અને જૂનાગઢ શહેર તથા જિલ્લામાં ગતમધરાતથી ધીમીધારે મેઘરાજાની મહેર ઉતરી હતી. અને વહેલી સવારથી સુપડાધારે બપોર સુધી સટાસટી બોલાવતા ગિરાનરમાં નવ, દાતાર ડુંગરમાં આઠ, જૂનાગઢ અને માણાવદરમાં પાંચ- પાંચ ઈંચ પાણી પડતાં જળબંબાકાર સર્જાયો હતો. જ્યારે વંથલીમાં સાડા ચાર ઈંચ, વિસાવદર ત્રણ ઈંચ, કેશોદ અને મેંદરડામાં અઢી ઈંચ, ભેંસાણમાં ત્રણ ઈંચ, માળિયામાં દોઢ અને      માંગરોળમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સાર્વત્રિક સારા વરસાદથી સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાય છે.
જૂનાગઢ શહેરમાં મોસમનો સૌપ્રથમ પાંચ ઈંચ વરસાદ તથા ગિરનારમાં નવ ઈંચ ભારે વરસાદ પડતાં પાણી દોલતપરા તથા જૂનાગઢ રાજકોટ હાઇ વે ઉપર દોલતપરા પેટ્રોલ પંપથી સાબલપુર ચોકડી સુધી ગોઠણસમા ફરી વળતા કલાકો સુધી વાહન ચાલકો ફસાયા હતાં. દોલતપરા તથા સક્કર બાગ પાસે નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા લોકોમાં ભય છવાઈ ગયો હતો.  શહેરમાં સવારથી બારે મેઘખાંગા થતા કાળવામાં પૂર આવતાં નરસિંહ મહેતા સરોવરનું ઓવર ફલો પાણી હેઠવાસના આનંદ પાર્ક સોસાયટીમાં ફરી વળતાં દેકારો મચ્યો હતો. અનેક સોસાયટીમાં ફરી વળેલ પાણીના નિકાલ માટે જેસીબી દ્વારા કંમ્પાઉન્ડ હોલની દીવાલ તોડવી પડી હતી. જ્યારે ઝાંઝરડા રોડના પ્રવેશદ્વારમાં અંડર બ્રીજમાં કેડ સરખા પાણી ભરાતા આ માર્ગ બંધ થઈ ગયો હતો. તેવી રીતે જોષીપરા, સરદારપરા, દોલતપરા, ઉદ્યોગનગર વિસ્તારમાં માર્ગો તથા સોસાયટીઓમાં જળ બંબાકાર સર્જાયો હતો. ગિરનાર પર્વતનું પાણી દોલતપરામાં પ્રવેશતા માર્ગ કલાકો સુધી બંધ રહ્યો હતો. મનપા તંત્રમાં અનેક પાણી ભરાવાની ફરિયાદો ઉઠતાં દોડધામ થઈ હતી. ધોધમાર વરસાદના કારણે ખલીલપુર ચોકડી પાસે, ટીંબાવાડી સિરામિક હોલ પાસે, મીરાનગર દાસારામ બંગલા પાસે વૃક્ષ ધરાશાયી થયાનો બનાવ બન્યો છે. તેમજ માત્રી મંદિર પાસે, એકલવ્ય એપાર્ટમેન્ટ પાસે દીવાલ ધરાશાયી થઈ હતી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કાળવા નદીમાં પાણી આવતા શાપુર ગામે પુલ પર પાણી ફરી વળતા કલાકો સુધી રસ્તો બંધ રહ્યો હતો. માળિયા હાટીનાની મેગળ નદીમાં વચ્ચે આવેલા શંકર ભગવાનને મેઘરાજાનો જળાભિષેક થયો હોય એમ મંદિર નદીના પૂરમાં ડૂબી ગયું હતું.  

© 2022 Saurashtra Trust