મોરબીમાં યુવાન પર ખૂની હુમલો

મોરબી, તા. 17: અહીંના ભક્તિનગર સર્કલ નજીક યુવાનને છરીના ઘા ઝીકી ખૂની હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસમાં ત્રણ શખસ સામે ફરિયાદ નોંધવામાં આવી છે તો ઈજાગ્રસ્ત યુવાન આરોપીની બહેન સાથે ફોનમાં વાત કરતો હોવાથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
અહીંના કેનાલ રોડ પર યદુનંદન-3માં રહેતા ભરતભાઈ લક્ષ્મીચંદ પુજારાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો દીકરો ભાવિક આરોપી ઇલ્યાસ ઈશ્માઈભાઈ બલોચની બહેન સાથે ફોન પર અવાર નવાર વાતો કરતો હોય અને આરોપીની બહેન પણ ભાવિકને ફોન કરતી હોય જે બાબતે શંકા રાખી ઇલ્યાસ બ્લોચ, નવાજ બલોચ અને શહેઝાદ શબ્બીરભાઈ સિપાઈ એ ગત તા.14ના રાત્રીના સુમારે ભક્તિનગર સર્કલ ઓવરબ્રીજ નીચે ભાવિક સાથે પોતાનું એક્સેસ મોટર સાઈકલ ભટકાડી પછાડી દઈ જાનથી મારી નાખવાના ઈરાદે ઇલ્યાસ બ્લોચે ભાવિકને ડાબા હાથમાં તથા છાતીના ડાબી બાજુ ખભા પાસે તથા છાતીમાં જમણી બાજુ ખભા પાસે તથા નવાજ બલોચે જમણા હાથમાં છરીનો એક ઘા તથા શહેઝાદ સિપાઈએ પાછળ વાંસાના ભાગે એક ઘા માર્યા હતાં. છરી વડે આઠેક ઘા મારી ગંભીર જીવલેણ ઈજા કરી હતી. ઇલ્યાસે ભાવિકને કહેલ કે હવે પછી મારી બહેન સાથે ફોનમાં વાત કરતો નહીં નહીતર સારાવાટ નહીં રહે તેમ કહી નાશી ગયાનું પણ ફરિયાદમાં જણાવાયું હતું.

© 2022 Saurashtra Trust