યુએસ અને કેનેડા મોકલવાના બહાને 30 લોકો સાથે 6.59 કરોડની છેતરપિંડી

(અમારા પ્રતિનિધિ તરફથી) 
સુરત, તા. 17:     અમેરિકા અને કેનેડા મોકલવાના નામ પર 30 જેટલા લોકો સાથે રૂ. 6.59 કરોડની છેતરપિંડી કરવા અંગે સુરતના ખોલવડના ઇરફાન નામના શખસ સામે ફરિયાદ થઇ છે. ઠગાઇ કરીને ઇરફાન વિદેશ નાસી  છૂટયો હોવાની આશંકા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ખોલવડ ખાતે ડોલી ટાવરમાં રહેતો અને મોટા વરાછા, ઉત્રાણ, અને કામરેજ ખાતે એન્જલ્સ મલ્ટાલિંક નામે ટ્રાવેલ્સ એજન્સી ધરાવતા ઇરફાન ફારૂક ઉમરજીએ  યુ.એસ, યુ.કે, કેનેડા અને યુરોપમાં અભ્યાસ તેમજ પર્યટન માટે 30 લોકોને મોકલવાનું કામ હાથે લીધું હતું અને વિવિધ ચાર્જના નામે રૂપિયા 6.59 કરોડ લોકો પાસેથી લીધા બાદ જ્યારે સમય આવ્યો ત્યારે તેઓને અમેરિકા, યુરોપ, કેનેડા વગેરે ગંતવ્ય સ્થાન પર મોકલવાના બદલે તેઓ માટે સાવ અજાણ્યા આફ્રિકાના ઘાના દેશમાં રઝળતા મૂકી દીધા હતા.  બાદમાં આ લોકોને ખબર પડી કે તેઓને છેતરવામાં આવ્યા છે. જેથી આ લોકો જેમ તેમ કરી ભારત દેશમાં પરત ફર્યા હતા. આ અંગે ગાંધીનગર અડાલજના ટ્રાવેલ્સ એજન્ટ આકાસ મહેતાને આ ઘટનાની જાણ થતા તેણે ઇરફાન ઉમરજી અને તેના કર્મચારી કામરેજના શકીલ લતીફ મહિડા અને ખોલવડના ડોલી ટાવરના આકીબ આબિદ મુલતાની સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. 
ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચના ઈકોસેલને આ ઘટનાની તપાસ સોંપવામાં આવી છે. ઇકોસેલે ઇરફાન ઉમરજીને ત્યાંના કર્મચારી શકીલ લતીફ મહિડા અને આકીબ આબિદ મુલતાની ધરપકડ કરી હતી. પોલીસે ઇરફાનના જાણકારો સુધી પગેરુ લંબાવી તપાસ ચલાવી રહી છે પરતું ઇરફાન ફુલેકુ ફેરવી યુ.કે, કેનેડા કે દક્ષિણ આફ્રિકા ફરાર થઈ ગયો હોવાની આંશકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

© 2022 Saurashtra Trust