સુરતમાં વિદ્યાર્થીએ મહિલા તબીબ પર દુષ્કર્મ આચર્યું

(અમારા પ્રતિનિધિ તરફથી) 
સુરત, તા. 17: શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી અને ક્લિનિક ચલાવતી મહિલાના પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપીને જિમમાં આવતા વિદ્યાર્થીએ દુષ્કર્મ આચર્યું હતું. 
બનાવની વિગત એવી છે કે, જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મહિલા ડોક્ટર ક્લિનિક ધરાવે છે. ડોક્ટરનો ઓક્ટોબર 2020માં જિમમાં ઋષિકેશ ઉર્ફે રિષી બળવંત સોંલકી સાથે પરિચય થયો હતો. મહિલા ડોક્ટર જે જિમમાં જતી હતી તે જ જિમમાં ઋષિકેશ પણ જતો હતો. ઋષિકેશે જિમના ગ્રુપમાંથી મહિલા ડોક્ટરનો મોબાઇલ નંબર મેળવી ફોન કરવાનું શરૂ કર્યું હતું. એક દિવસ ઋષિકેશ ડોક્ટરને તેનાં ઘરે મળવા ગયો હતો. આ સમયે મહિલા એકલી હોવાથી તેનો લાભ ઉઠાવી ઋષિકેશે તેના પતિ અને દીકરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેની મરજી વિરુદ્વ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ઋષિકેશ તેના મોબાઇલમાં ડોક્ટરના બિભત્સ ફોટા અને વીડિયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ પતિને બતાવી દેવાની ધમકી આપી બ્લેક મેઇલ કરી નવેમ્બર માસમાં ફરીથી દુષ્કર્મ કર્યું હતું. ડોક્ટરે ઋષિકેશ સામે તમામ સંબંધો તોડી નાખ્યા હોવા છતાં એક વર્ષથી અવાર નવાર ફોન કરી તેમજ ક્લિનિક જાય ત્યારે પીછો કરી જાહેરમાં ગાળો આપી ધમકી આપતો હતો. જેથી આખરે કંટાળીને મહિલા ડોક્ટરે ગતરોજ પોલીસે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ઋષિકેશ સોલંકી સામે કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી છે. 

© 2022 Saurashtra Trust