જસદણના પ્રતાપપુર ગામે પત્નીના પ્રેમીના હાથે પતિની હત્યા

મૃતકે બે દી’ પહેલા જ વડિયાની યુવતી સાથે બીજા લગ્ન કર્યા’તાં
 
રાજકોટ, તા. 17: જસદણના પ્રતાપપુર (નવાગામ) ખાતે પત્નીના પ્રેમીના હાથે પતિ કમલેશ મોહનભાઇ ચાવડાની હત્યા થઇ હતી. પોલીસે વડિયાના યશવંત  મકવાણા નામના યુવાનની ધરપકડ કરી હતી. મૃતક યુવાને બે દિવસ પહેલા જ વડિયાની યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતાં.
પ્રતાપપુર ગામે રહેતાં 32 વર્ષના એક પુત્રીના પિતા એવા કમલેશ મોહનભાઇ ચાવડા નામના યુવાને પ્રથમ પત્નીને છૂટાછેડા આપીને વડિયામાં રહેતી તેની પ્રેમિકા એવી કોમલ નામની યુવતી સાથે બે દિવસ પહેલા તા.15મી ઓગસ્ટે લગ્ન કર્યા હતાં. ગઇરાતના બારેક વાગ્યાના સુમારે  કમલેશ લધુશંકા કરવા માટે રૂમની બહાર નિકળ્યો હતો. આ સમયે જ  ત્યાં અગાઉથી સંતાઇને બેઠેલા બીજી પત્ની કોમલના પ્રેમી  યશવંત મકવાણાએ કમલેશ પર છરીથી હુમલો કર્યો હતો.  છાતી સહિતના ભાગે છરીના પાંચેક ઘા ઝીંકાવાના કારણે ગંભીર રીતે ઘવાયેલ કમલેશ ઘટના સ્થળે જ ઢળી પડયો હતો. છરીથી હુમલો કરીને યશવંત નાસી ગયો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને કમલેશ ચાવડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બીજી તરફ મૃતકના પરિવારજનોએ આરોપીને તાકીદે ઝડપી લેવાની માગણી કરીને જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. પોલીસની તપાસમાં એવી વિગત પ્રકાશમાં આવી હતી કે, શાપરના કારખાનામાં કામ કરતાં કમલેશ ચાવડાના લગ્ન થયા હતાં. સંતાનમાં અવની નામની પાંચ વર્ષની પુત્રી છે. વડિયા ગામે રહેતી તેની જ્ઞાતિની અને સંબંધીની દીકરી કોમલ સાથે કમલેશની આંખ મળી ગઇ હતી. બન્નેએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. આથી કમલેશે  તેની પ્રથમ પત્નીને એક માસ પહેલા છૂટાછેડા આપી દીધા હતાં. બાદમાં બે દિવસ પહેલા કોમલ સાથે બીજા લગ્ન (ઘરઘરણુ) કર્યા હતાં. આ પહેલા કોમલને યશવંત સાથે પ્રેમ સંબંધ હતો પણ કોમલે એ સંબંધ તોડીને કમલેશનું ઘર માંડતા યશવંત ઉશ્કેરાયો હતો અને ગઇકાલે તે વડિયાથી પ્રતાપપુર આવ્યો હતો અને પ્રેમિકા કોમલના ઘરમાં ઘૂસીને છૂપાઇ ગયો હતો. રાતના મોકો મળતા જ પ્રેમિકા કોમલના પતિ કમલેશ ચાવડાની હત્યા કરીને નાસી ગયો હતો.  પોલીસે તાકીદે તપાસ હાથ ધરીને યશવંત મકવાણાને ઝડપી લીધો હતો. આથી પરિવારજનોએ કમલેશનો મૃતદેહ સ્વીકારી લીધો હતો.

© 2022 Saurashtra Trust