ઝિમ્બાબ્વે વિરૂધ્ધ આજથી વન ડે શ્રેણી: કપ્તાન રાહુલ અને યુવા ટીમની કસોટી

ઝિમ્બાબ્વે વિરૂધ્ધ આજથી વન ડે શ્રેણી: કપ્તાન રાહુલ અને યુવા ટીમની કસોટી
મેચ 12-45થી શરૂ થશે
 
હરારે, તા.17:  ઝિમ્બાબ્વે વિરૂધ્ધ ગુરૂવારથી શરૂ થઇ રહેલ ત્રણ મેચની વન ડે શ્રેણી દરમિયાન ભારતીય કપ્તાન કેએલ રાહુલના ફોર્મ અને ફિટનેસ પર સહુની નજર રહેશે. ટી-20 ફોર્મેટમાં ભારતના ટોચના ક્રમનો નિયમિત બેટધર કેએલ રાહુલ આ વન ડે શ્રેણીમાં તેનું ચિરપરિચિત ફોર્મ હાંસલ કરવા પૂરી કોશિશ કરશે. તેની સામે મોટો પડકાર ટી-20 ફોર્મેટમાં ઓપનરની ભૂમિકા બનાવી રાખવા માટે ઝિમ્બાબ્વે સામેની વન ડે શ્રેણીમાં પહેલા દડાથી આક્રમક બેટિંગ કરવી પડશે. રાહુલને અનુભવી શિખર ધવનને ખસેડીને કાર્યવાહક સુકાની બનાવાયો છે. આ વાતનું દબાણ તેની બેટિંગ પર કેવી અસર કરશે તે પણ રસપ્રદ બની રહેશે. પહેલો વન ડે ગુરૂવારે બપોરે 12-4પ કલાકથી શરૂ થશે.
કોચ રાહુલ દ્રવિડ અને નિયમિત કપ્તાન રોહિત શર્માની નજર ફકત રાહુલના ફોર્મ પર જ નહીં હોય, પણ તે કઇ રીતે રન કરે છે. આ ઉપરાંત બીજી હરોળના જે કેટલાક યુવા ખેલાડીઓને આ શ્રેણીમાં મોકો અપાયો છે તેમના દેખાવ પણ મહત્ત્વના બની રહેશે. હરારે સ્પોર્ટસ ગ્રાઉન્ડ પર ઝિમ્બાબ્વેએ હાલમાં જ 300 અને 290 રનનો પીછો કરીને બાંગલાદેશને હરાવ્યું છે. આથી કપ્તાન રાહુલ, ઇશાન કિશન, શિખર ધવન, દીપક હુડ્ડા, શુભમન ગિલ અને સંજૂ સેમસન જેવા બેટર્સે મોટી ઇનિંગ રમવી પડશે. ભારત પાસે મોહમ્મદ સિરાઝ, પ્રસિધ્ધ કૃષ્ણા, દીપક ચહર અને કુલદિપ યાદવ જેવા બોલર છે અને શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલના રૂપમાં ઓલરાઉન્ડરર્સ છે.
બીજી તરફ ઝિમ્બાબ્વેની કોશિશ ભારત જેવી મજબૂત ટીમ વિરૂધ્ધ પડકારરૂપ દેખાવ કરવાની રહેશે. હોમ ટીમ પાસે સિકંદર રઝા, ઇન્ચાર્જ કેપ્ટન રેઝિસ ચકાબવા અને ઇનોસેંટ કેઇયા જેવા બેટધર છે. જે સારા ફોર્મમાં છે.
6 મહિના બાદ ટીમમાં વાપસી કરનાર ઝડપી બોલર દીપક ચહર અને ચાઇનામેન બોલર કુલદિપ યાદવ પર પસંદગીકારોની નજર રહેશે. આઇપીએલમાં શાનદાર દેખાવ કરનાર બેટસમેન રાહુલ ત્રિપાઠી પાસે ખુદને સાબિત કરવાનો મોકો રહેશે. જો કે તેને પહેલા મેચની ઇલેવનમાં સ્થાન મળવું નિશ્ચિંત નથી.
 

© 2022 Saurashtra Trust