વેપારીઓ પર રેઇડ બંધ કરીશું, ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું : આપ

વેપારીઓ પર રેઇડ બંધ કરીશું, ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું : આપ
-જામનગરમાં કેજરીવાલની વેપારીઓને પાંચ ગેરન્ટી: વેપારીઓએ જીએસટી સહિતના મુદ્દે કચવાટ વ્યક્ત કર્યો
 
(ફૂલછાબ ન્યુઝ)
જામનગર, તા.6: જામનગરમાં આજે બપોરે એક વાગ્યે એરપોર્ટ ઉપર દિલ્હીના મુખ્યમંત્રી અને આપના વડા અરવિંદ કેજરીવાલ આવી પહોંચેલ હતા. બપોરે ત્રણ કલાકે તેમનો શહેરના વેપારીઓ સાથે વાર્તાલાપ ઓશવાળ સેન્ટરના એ.સી.હોલમાં રાખવામાં આવેલ હતો જ્યારે પ્રારંભમાં વેપારીઓ દ્વારા જીએસટી રીબેટ, સ્લેબમાં અવઢવ, પોલીસ કનડગત સહિત 1પ મુદ્દા રજૂ કરવામાં આવેલ હતા. જો કે તેમાં શહેરની એકપણ જવાબદાર સંસ્થાઓના હોદ્દેદારો દેખાયેલ જણાતા ન હતા. કેજરીવાલે વેપારીઓને વેપારીઓ પરની રેઇડ બંધ કરીશું, ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું તેવાં વચનો આપ્યાં હતાં.
આપના વડા અરવિંદ કેજરીવાલે જણાવેલ કે ગુજરાત ભાજપા ર7 વર્ષથી શાસન કરી રહી છે અને હવે અહંકારમાં જીવી રહી છે. લઠ્ઠાકાંડમાં હું ગયો પણ ભાજપાનો કોઈ લઠ્ઠાકાંડમાં ભોગ બનનાર પરિવારને મળવા નહીં ગયો, ગુજરાતમાં દેશી-વિદેશી દારૂનો હજારો કરોડનો કારોબાર ફૂલ્યો છે. તેના માટે સરકાર જવાબદાર છે.
પંજાબમાં રપ લાખ વીજ ગ્રાહકોના બિલ શૂન્ય આવ્યા છે અને ગુજરાતમાં અમો સત્તા ઉપર આવીશું તો તે અહીંયા પણ કરી બતાવીશું. વેપારીઓને પાંચ ગેરન્ટી આપતા જણાવેલ હતું કે, વેપારીઓને ઈજ્જત આપીશું, વેપારીઓ ઉપર રેઇડ બંધ કરીશું. ભ્રષ્ટાચારને નાબૂદ કરીશું. દિલ્હીની જેમ ઘર આંગણે સરકારી સેવાઓ એક ફોન ઉપર ઉપલબ્ધ કરાવીશું. વેટના જૂના કેસનો નિકાલ કરી છ મહિનામાં પૂરા કરીશું. પબ્લિક એડવાઇઝરી બનાવી તેઓ દ્વારા કરવામાં આવેલ સૂચન અનુસાર નિયમો બનાવીશું અને ભયનો માહોલ દૂર કરીશું અને અમો તેમાં નિષ્ફળ જઈએ તો અમોને બીજી વખત મત નહીં આપતા.
આજની બેઠકમાં ભાજપાના પૂર્વ મેયર કનકસિંહ જાડેજાને ખેસ પહેરાવી આપમાં કેજરીવાલે પ્રવેશ કરાવેલ હતો. જો કે, ભાજપાના પૂર્વ ઉપ મેયર કરશન કરમૂરનું સ્ટેજ નીચે જ ખેસ પહેરાવી આપમાં સ્વાગત કરેલ હતું.

© 2022 Saurashtra Trust