પશુઓની પૂરતી કાળજી લેવાવી જોઈએ: મુખ્યમંત્રી

પશુઓની પૂરતી કાળજી લેવાવી જોઈએ: મુખ્યમંત્રી
જામનગરમાં મુખ્યમંત્રીએ લમ્પી વાયરસ અંતર્ગત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી, સમીક્ષા કરી
 
(ફૂલછાબ ન્યુઝ)
જામનગર, તા.06: જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પશુપાલન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે લમ્પી સ્કિન ડિસીઝની સર્વગ્રાહી સમીક્ષા અર્થે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પશુઓની સારવાર કે રસીકરણ બાદની સ્થિતિની પણ પૂરતી કાળજી લેવાવી જોઈએ. મુખ્યમંત્રીએ બેઠકમાં અધિકારીઓને મૃત પશુઓના ઝડપી તથા યોગ્ય નિકાલ માટે તાકીદ કરી હતી તેમજ લમ્પી અસરગ્રસ્ત વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારોમાં પણ સઘન રસીકરણ હાથ ધરવા સૂચના આપી હતી.
અત્યાર સુધી થયેલી રસીકરણની વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લાના 1,38,000 ગાય સંવર્ગના પશુઓ પૈકી 1,10,456 એટલે કે 95 ટકા પશુને રસી આપી દેવાઈ છે. ખાનગી માલિકીના 99 ટકા પશુનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે હવે બિનવારસી રખડતા પશુઓને રસીની ઝુંબેશ ચલાવી દૈનિક ધોરણે 2થી 3 હજાર પશુઓને વેક્સિનેટ કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં લમ્પી વાયરસને નિયંત્રિત કરવા રસીકરણ મહાઝુંબેશનું આયોજન કરી જિલ્લા પંચાયતની 23 ટીમ તથા 74 પશુચિકિત્સા અધિકારી, 17 પશુધન નિરીક્ષકો, કામધેનુ યુનિ.ના 4 મદદનીશ પ્રાધ્યાપક, 5 અનુસ્નાતક તબીબો તેમજ 32 સ્નાતક તબીબો દ્વારા સઘન કામગીરી કરવામાં આવી હતી.
પશુઓની યોગ્ય સારવાર તેમજ વેક્સિનેશન અંગે અધિકારીઓને સૂચનો કર્યાં
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જામનગર મહાપાલિકા દ્વારા શહેરના ગોલ્ડન સિટી પાછળ, સોનલનગર ખાતે લમ્પી વાયરસ સારવાર કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે. તેની મુખ્યમંત્રીએ મુલાકાત લઈ પશુઓની સારવાર માટે ઉભા કરવામાં આવેલી તમામ પ્રકારની સુવિધાઓનું નિરીક્ષણ કરી લગત અધિકારીઓ તેમજ પશુપાલન વિભાગને જરૂરી સૂચનો કરી પશુઓની યોગ્ય રીતે કાળજી લેવા જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે લમ્પી વાયરસ સારવાર કેન્દ્રની મુલાકાત લીધી છે તે સેન્ટર જામનગર મહાપાલિકા દ્વારા રૂ.30 લાખના ખર્ચે 50 હજાર ચોરસ ફૂટની જગ્યામાં ઉભું કરવામાં આવ્યું છે.
જ્યાં સુધી અસરગ્રસ્ત પશુ તંદુરસ્ત ન થાય ત્યાં સુધી તેનાં  રહેઠાણ અને ખોરાકની વ્યવસ્થા અંગેની પણ આ સેન્ટર પર કાળજી લેવામાં આવશે.

© 2022 Saurashtra Trust