કામ કરો, નહીં તો ઘર ભેગા ! BSNL કર્મીઓને ચેતવણી

કામ કરો, નહીં તો ઘર ભેગા ! BSNL કર્મીઓને ચેતવણી
1.64 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યા બાદ ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવનો સખત નિર્દેશ : ઓડિયો વાયરલ
 
 
નવી દિલ્હી, તા.6 : ટેલીકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે બીએસએનએલના 6ર હજાર કર્મચારીઓને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે કામ કરો, અથવા ઘરે ચાલ્યા જાવ. એક ઓડિયો તાજેતરમાં લિક થયો છે જેમાં કથિત રુપે મંત્રીએ આવી કડક ચેતવણી આપી હોવાનું સામે આવ્યું છે.
ખાડે ગયેલી સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલને બેઠી કરવા કેન્દ્ર સરકારે તાજેતરમાં 1.64 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. જે અંગે સરકારની નિંદા પણ થઈ રહી છે. વૈષ્ણવનો એક કથિત ઓડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ આ સરકારી કંપનીના કર્મચારીઓને આગામી બે વર્ષ ખૂબ મહેનત કરવાનો આગ્રહ કરતાં સાંભળવા મળે છે.  અશ્વિની વૈષ્ણવે કર્મચારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કાંતો તેઓ કામ કરે, અથવા વીઆરએસ લઈ લે. કામ નહીં કરનારાઓને ધરાર વીઆરએસ આપી દેવાશે જેવું રેલવેમાં કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે સરકારે તાજેતરમાં મંજૂર કરેલુ પુનરોદ્ધાર પેકેજ 3 ભાગમાં છે જેમાં સેવામાં સુધાર, ખોટખાતાઓ મજબૂત કરવા અને ફાઈબર નેટવર્ક સામેલ છે.સરકાર બીએસએનએલમાં ફોર જી સેવા શરુ કરવા સ્પેકટ્રમ ફાળવશે તેવું વૈષ્ણવે અગાઉ જણાવ્યું હતું. સાથે દાવો કર્યો હતો કે અમે બીએસએનએલને મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છીએ.

© 2022 Saurashtra Trust