નેશનલ હેરાલ્ડ કેસ : સોનિયા તથા રાહુલ ગાંધીની ફરી પૂછપરછ સંભવ

નેશનલ હેરાલ્ડ કેસ : સોનિયા તથા રાહુલ ગાંધીની ફરી પૂછપરછ સંભવ
મની લોન્ડ્રિંગ મામલે ઈડીને મળ્યા મહત્ત્વના પુરાવા
નવી દિલ્હી, તા.6 : નેશનલ હેરાલ્ડ કેસમાં કથિત મની લોન્ડ્રિંગ મામલે ઈડીની તપાસ વિરુદ્ધ કોંગ્રેસનો વિરોધ ચાલુ છે તેવા સમયે ઈડી દ્વારા ફરી એકવાર સોનિયા અને રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવે તેવી સંભાવના છે.
સૂત્રો અનુસાર, મની લોન્ડ્રિંગની તપાસમાં ઈડીને કેટલાક મહત્ત્વના પુરાવા મળ્યા છે જે ઈશારો કરે છે કે શેલ કંપનીઓ દ્વારા વર્ષ ર019માં યંગ ઈન્ડિયન અને એસોસિએટેડ જર્નલ લિમિટેડમાં નાણા આવતા હતા. ફેબ્રુઆરી ર016માં નેશનલ હેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે ગાંધી પરિવારના સદસ્યો તથા અન્યો વિરુદ્ધ ટ્રાયલ રોકવાની અરજી ફગાવી દીધી હતી. તપાસમાં એ બાબતનો સંકેત મળ્યો છે કે સુપ્રીમ કોર્ટના ફેંસલાના લાંબા સમય બાદ યંગ ઈન્ડિયન અને એજેએલમાં શેલ કંપનીઓથી નાણા આવતાં રહ્યા હતા. ઈડીને તાજેતરના દરોડામાં મળી આવેલા દસ્તાવેજોમાં ર018-19 સુધી ચાલેલી કથિત હેરાફેરી શોધી કાઢી છે.
ઈડી અધિકારીઓને અગાઉ એવું લાગતું હતું કે સુપ્રીમ કોર્ટથી ઝટકો લાગ્યા બાદ કથિત શંકાસ્પદ લેણદેણ બંધ કરી દેવામાં આવી હશે. શેલ કંપનીઓ અને વિદેશી ફંડની વ્યવસ્થા કરવામાં ભૂમિકાની તપાસ આગળ વધશે તો સોનિયા, રાહુલ ગાંધી તથા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ફરી પૂછપરછ કરવામાં આવી શકે છે. ખડગે યંગ ઈન્ડિયનના સીઈઓ છે.

© 2022 Saurashtra Trust