4.51 કરોડના ચરસના જથ્થા પ્રકરણમાં અજાણ્યા શખસો સામે નોંધાતો ગુનો

કચ્છ-જામનગર બાદ સોમનાથના દરિયાકાંઠે માદક પદાર્થો મળવાના શરૂ
વેરાવળ,તા.6 : ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે ત્રણ દિવસ સુધી ચાલેલ સર્ચ ઓપરેશનમાં 301 કિલો અને 195 ગ્રામ ચરસનો જથ્થો પોલીસને મળી આવ્યો છે. આ જથ્થાની બજારમાં 4 કરોડ અને 51 લાખ જેવી કિંમત થાય છે. આ મામલે પોલીસે એનડીપીએસ એકટ હેઠળ અજાણ્યા શખ્સો સામે સોમનાથ મરીન પોલીસમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. હાલ હજુ પણ જિલ્લાના દરિયાકાંઠે એસઓજી સહિતની પોલીસ ટીમો સઘન તપાસ કરી રહી છે.
ગત મંગળવારે રાત્રીના જુનાગઢના માંગરોળ દરિયાકાંઠેથી નશીલા પદાર્થો મળ્યા હતા. જેના પગલે બુધવાર સવારથી સંવેદનશીલ ગણાતા ગીર સોમનાથ જિલ્લાના લાંબા દરિયાકાંઠે જિલ્લા પોલીસની બ્રાન્ચો સહિતની 10 ટીમોએ તપાસ શરૂ કરી હતી. જેમાં જિલ્લાના દરિયાકાંઠે ત્રણ દિવસ સુધી ચાલેલ સર્ચ ઓપરેશનમાં વેરાવળ નજીકના આદરી, વડોદરા ડોડીયા, વેરાવળ ચોપાટી, સોમનાથના ત્રિવેણી સંગમ સામેના, લાટીના, સુત્રાપાડા બંદર, ધામળેજના દરિયાકિનારાના વિસ્તારોમાંથી બિનવારસુ હાલતમાં શંકાસ્પદ નશીલા પદાર્થોના 273 પેકેટો મળી આવ્યા હતા. આ પેકેટોમાં રહેલા જથ્થાનો વજન કરાવતા 301 કિલો અને 195 ગ્રામ હોવાનું સામે આવ્યું હતુ. આ શંકાસ્પદ જથ્થાનું એફએસએલ પાસે પરીક્ષણ કરાવતા ચરસ હોવાનું સામે આવ્યુ હતુ. આ જથ્થાની બજાર કિંમત 4 કરોડ અને 51 લાખ જેવી થાય છે. આ મામલે એસઓજી પીએસઆઈ મારૂએ સોમનાથ મરીન પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ આપી છે. જેમાં જણાવેલ કે, ગીર સોમનાથ જિલ્લાના દરિયામાં અજાણ્યા શખ્સો યુવાધનને બરબાદ કરવા માટેના બદ ઇરાદાથી દરિયાઇ માર્ગે ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ચરસનો જથ્થો લાવતી વખતે દરિયાઇ સુરક્ષા એજન્સીના ડરથી દરિયામાં ફેંકી દેતા દરિયાઇ પ્રવાહ સાથે દરિયાકાંઠે તણાઇ આવીને જિલ્લાના આદ્રી દરિયા કિનારે તેમજ જુદી જુદી જગ્યાએથી માદક પદાર્થ ચરસ રાખેલ પેકેટો સફેદ બાચકાઓમાં તેમજ છુટા છવાયા મળેલ હતા. જે ઘેરા લીલા જેવા રંગની પ્લાસ્ટિકની કોથળીઓમાં અકબંધ તેમજ તુટેલી હાલતમાં મળી આવેલ છે. જેના ઉપર અંગ્રેજીમાં ઈએસટી ડી 1896 NABOB COFFEECO વગેરે લખાણ લખેલ પેકેટ નંગ- 267 તથા અન્ય લાલ બ્લુ કલરના પેકેટ ઉપર અંગ્રેજીમાં ULTJE KESSEL NUSSE, PAPRICA છાપકામ રેપર વાળા લખેલ પેકેટ નંગ-6 મળી ચરસ માદક પદાર્થના કુલ પેકેટો-273 જેનું કુલ વજન 3,01,195 ગ્રામ છે. આ તમામ પેકેટમાં રહેલ માદક પદાર્થ ચરસની કુલ કિં.રૂ. 4,51,79,250 જેવી થાય છે. જેથી આ મામલે અજાણ્યા શખ્સો સામે એનડીપીએસ એકટની કલમો 8(સી),20(બી), 22(સી) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે, ઇતિહાસમાં પ્રથમ વખત સોમનાથના દરિયાકિનારેથી નશીલા પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે. ત્યારે અનેક સવાલો ઉભા થયા છે. કેમ કે અત્યાર સુધી કચ્છ અને ક્યારેક જામનગરના દરિયાકાંઠા વિસ્તારો ના માર્ગે મારફત ડ્રગ માફિયાઓ નશીલા પદાર્થો ઘુસાડવાની પેરવી કરતા હતા. જો કે પ્રથમ વખત સોમનાથના દરિયાકાંઠે મળી આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. આ મામલાના મુળ સુધી પહોંચી હક્કીતો જાણવા ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

© 2022 Saurashtra Trust