એમોસ કંપનીનો પરવાનો તાકીદની અસરથી સસ્પેન્ડ

બરવાળા-ધંધુકાના લઠ્ઠાકાંડ પ્રકરણમાં કંપનીના માલિક સહિત પાંચ શખસની જામીન અરજી : 10મીએ સુનાવણી
 
બોટાદ, તા. 6 : ગુજરાતભરમાં ચર્ચાસ્પદ બનેલા બોટાદ-ધંધુકાના લઠ્ઠાકાડ પ્રકરણમાં પપથી વધુ લોકોના મૃત્યુ નીપજ્યાં હતા અને અસંખ્ય લોકો સારવારમાં ખસેડાયા હતા. આ પ્રકરણમાં મૃત્યુ કાંડમાં જવાબદાર કેમિકલ જે કંપનીમાંથી આવ્યું હતું તે એમોસ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ઉદ્યોગપતિ સમીર નલીન પટેલ, પંકજ કાંતીલાલ પટેલ, ચંદુ ફકીર પટેલ, રજીત મહેશ ચોકસી અને રાજેન્દ્રકુમાર દસાડિયાને બરવાળા પોલીસે પૂછતાછ માટે હાજર રહેવા સમનસ પાઠવ્યું હતું.
પરંતુ પોલીસ ધરપકડ કરશે તેવી દહેશતથી પાંચેય શખસોએ હાઇ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે અરજી હાઇ કોર્ટે નકારતા તેમને સેસન્સ કોર્ટમાં અરજી મૂકવાની કામગીરી દસ દિવસમાં પૂરી કરવા તાકીદ કરવામાં અવી હતી. જેથી પાંચેય શખસોએ બોટાદ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. આ મામલે કોર્ટ દ્વારા તા.10/8ના સુનાવણી રાખવામાં આવી હતી.
બોટાદના લઠાકાંડના પ્રકરણમાં એમોસ કંપની પર નશાબંધી વિભાગ દ્વારા ગંભીર બેદરકારીની નોટિસ લગાડવામાં આવી હતી. જેમાં એમોસ કંપનીમાંથી મીથાઈલ કેમિકલ વાપરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને કંપનીનો પરવાનો તાકીદની અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો તેમજ કંપનીમાં મુખ્ય સંચાલક તરીકે જયેશને રાખવામાં આવ્યો હતો. જેમાં ગોડાઉન ખર્ચ સહિતના ખર્ચ માટે બે વર્ષમાં જયેશને કંપનીએ રૂ.3પ લાખથી વધુની રકમ ચૂકવી હતી અને જયેશને નોકરીએ રાખ્યો હતો તેના દસ્તાવેજી પુરાવા પણ મળ્યા હતા.

© 2022 Saurashtra Trust